ક્લીન એન્ડ ગ્રીન એનર્જી ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર રહેલું ગુજરાત હવે સરકારી તંત્રને પણ ઊર્જા બાબતે સંપૂર્ણ ‘આત્મનિર્ભર’ બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કચેરીઓ અને સાર્વજનિક વહીવટી ભવનોમાં પરંપરાગત વીજળીનો વપરાશ ઘટાડીને સોલાર ઊર્જાનો વ્યાપ વધારવા માટે વ્યાપક કવાયત હાથ ધરવામાં આવી છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યભરની વધુ ૧૫,૦૦૦ જેટલી સરકારી ઇમારતો પર સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 6,014 ઇમારતો પર 95 મેગાવોટ ક્ષમતા કાર્યરત

રાજ્યમાં સરકારી ભવનો પર સોલાર પેનલ્સ લગાવવાના પ્રથમ તબક્કાની કામગીરી સફળતાપૂર્વક આગળ વધી ચૂકી છે.અત્યાર સુધીમાં રાજ્યની  6,014 સરકારી ઇમારતોની છત પર સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરી દેવાયા છે.આ કાર્યરત પ્લાન્ટ્સ થકી હાલમાં દૈનિક ધોરણે કુલ 95 મેગાવોટ (MW) વીજ ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવામાં આવી છે, જેનાથી સરકારી તિજોરી પરના વીજ બિલના ભારણમાં મોટો ઘટાડો નોંધાયો છે.

ચાલુ વર્ષે વધુ 65 મેગાવોટનો લક્ષ્યાંક

ગ્રીન મિશનને વધુ ગતિ આપવા માટે સરકારે બજેટમાં આર્થિક જોગવાઈ સાથે નવા ટાર્ગેટ નિર્ધારિત કર્યા છે. 314 કરોડની બજેટ જોગવાઈ: સોલાર પ્રોજેક્ટના અમલીકરણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્સ્ટોલેશન માટે સરકારે રૂ. 314 કરોડનું વિશેષ ભંડોળ ફાળવ્યું છે.નવો ક્ષમતા વધારો: ચાલુ વર્ષે 15,000 ઇમારતો આવરી લેવાતાં તેમાં વધુ 65 મેગાવોટ ઊર્જા ક્ષમતા ઉમેરાશે. આ સાથે સરકારી ઇમારતોની કુલ સોલાર ઉત્પાદન ક્ષમતા 160 મેગાવોટને આંબી જશે.

 ક્ષતિઓ તુરંત પકડાશે

આ સમગ્ર પ્રોજેક્ટની સૌથી આધુનિક ખાસિયત તેની ઓટોમેટેડ મોનિટરિંગ સિસ્ટમ છે. સરકારી સોલાર પ્લાન્ટ્સને ઇન્ડસ્ટ્રિયલ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IIoT) ટેકનોલોજી સાથે સાંકળવામાં આવશે.

આ સ્માર્ટ સિસ્ટમના માધ્યમથી

કઈ ઇમારત પર કેટલા યુનિટ વીજળી ઉત્પાદિત થઈ રહી છે તેનું ગાંધીનગર ખાતેથી સેન્ટ્રલાઇઝ્ડ રિયલ-ટાઇમ મોનિટરિંગ થઈ શકશે.સોલાર પેનલ્સમાં કોઈ ખામી સર્જાય, પાવર લોસ થાય કે ધૂળ જામવાને કારણે ઉત્પાદન ઘટે તો સિસ્ટમમાં તુરંત ઓટો-જનરેટેડ એલર્ટ મળશે, જેથી ઝડપથી મેઇન્ટેનન્સ કરી શકાશે.આ પહેલથી સરકારી નાણાંની બચત થશે, કાર્બન ઉત્સર્જનમાં મોટો ઘટાડો થશે અને ગુજરાત દેશભરમાં રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રે મોડેલ સ્ટેટ તરીકેનું પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવશે.

આ પણ વાંચો: Bhavnagar: પાનવાડી વિસ્તારમાં જૂની ઇમારત ધરાશાયી થતાં અફરાતફરી; 2 થી 3 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા