ગુજરાતના સૌથી મોટા અને ગૌરવશાળી લોકઉત્સવ એવા નવરાત્રી પર્વ પૂર્વે રાજ્ય સરકાર દ્વારા ખેલૈયાઓ અને ગરબા આયોજકો માટે અત્યંત મહત્વપૂર્ણ અને રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ દરમિયાન લાઉડસ્પીકર અને સાઉન્ડ સિસ્ટમ વગાડવાની સમયમર્યાદા લંબાવીને રાત્રે 12 વાગ્યા સુધીની સત્તાવાર છૂટછાટ આપી દીધી છે.

સામાન્ય દિવસો કરતાં 2 કલાક વધારાનો સમય

સુપ્રીમ કોર્ટ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમો અનુસાર સામાન્ય દિવસોમાં રાત્રે ૧૦:૦૦ વાગ્યા પછી લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ હોય છે. જોકે, નવરાત્રી એ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ હોવાથી તહેવારના દિવસોમાં વિશેષ જોગવાઈ હેઠળ રાજ્ય સરકારે બે કલાકની વધારાની છૂટ આપી છે.ગૃહ વિભાગ દ્વારા તમામ જિલ્લા કલેક્ટરો અને પોલીસ કમિશનરોને પોતપોતાના અધિકારક્ષેત્રમાં આ અંગે તાત્કાલિક અસરથી વિધિવત જાહેરનામું (નોટિફિકેશન) બહાર પાડવા સૂચનાઓ આપી દેવામાં આવી છે.

12 વાગ્યા પછી માત્ર ઢોલના તાલે પ્રાચીન ગરબાની મંજૂરી

સરકારે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરતાં નિયમો પણ નક્કી કર્યા છે.રાત્રે 12:00 વાગ્યા સુધી તમામ પાર્ટી પ્લોટ, ક્લબ, સોસાયટીઓ અને શેરી ગરબામાં માઈક, લાઉડ સ્પીકર અને ડીજે સિસ્ટમનો ઉપયોગ નિર્ધારિત ડેસિબલ મર્યાદામાં કરી શકાશે.રાત્રે ૧૨:00 વાગ્યા પછી લાઉડસ્પીકર અને સાઉન્ડ સિસ્ટમ સંપૂર્ણપણે બંધ કરવાના રહેશે. જોકે, પરંપરાગત શેરી ગરબા કે મંડળી ગરબામાં શ્રદ્ધાળુઓ સાઉન્ડ સિસ્ટમ વગર માત્ર દેશી ઢોલ-નગારા અને કરતાલના તાલે મોડી રાત સુધી ગરબે ઘૂમી શકશે.આ નિર્ણયથી પાર્ટી પ્લોટ સંચાલકો, ક્લબો તેમજ શેરી-મહોલ્લાના યુવાનો અને ખેલૈયાઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ સાથે જ હોસ્પિટલો કે સાયલન્ટ ઝોન નજીક અવાજની મર્યાદા જાળવવા અને નિયમભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા સ્થાનિક પોલીસ તંત્રને સૂચના અપાઈ છે.

આ પણ વાંચો: Ahmedabad: તિજોરી ભરવા આંધળી લૂંટ? દાણીલીમડામાં ગરીબોના ઝૂંપડાને AMCએ કાગળ પર ‘રો-હાઉસ’ બનાવી બમણો ટેક્સ ફટકાર્યો!