ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સરકારી કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી સેવામાં ચાલુ ફરજ દરમિયાન અવસાન પામેલા કર્મચારીઓના આશ્રિતોને રહેમરાહે આપવામાં આવતી નોકરી કિસ્સામાં જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરવા અંગે સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા સત્તાવાર ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
કર્મચારી મંડળોમાં ખુશીની લહેર વ્યાપી
સરકારના આ ઠરાવ અનુસાર, 15 જૂન 2004 થી 31 માર્ચ 2005 દરમિયાન રહેમરાહે નિમણૂક પામેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં આવરી લેવામાં આવ્યા છે. આ નિર્ણયથી વર્ષોથી પેન્શન બાબતે રજૂઆત કરી રહેલા સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારોને નિવૃત્તિ બાદ આર્થિક સુરક્ષા પ્રાપ્ત થશે, જેના પગલે કર્મચારી મંડળોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

ગુજરાત સરકારનો કર્મચારી હિતલક્ષી નિર્ણય
રાજ્ય સરકારે આ ઠરાવમાં 01/04/2005 પછી રહેમરાહે નોકરી મેળવનારા કર્મચારીઓ અંગે પણ સ્પષ્ટતા અને રાહત આપી છે. ઠરાવ મુજબ, જો કર્મચારીની રહેમરાહે નિમણૂક માટેની ભલામણ કે પ્રક્રિયા 1 એપ્રિલ 2005 અગાઉ થઈ ચૂકી હોય, પરંતુ તેમને ઓર્ડર કે જોઇનિંગ 01/04/2005 પછી મળ્યું હોય, તો તેવા કર્મચારીઓ પણ જૂની પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર ઠરશે.

અરજી પ્રક્રિયા અને સમયમર્યાદા અંગે વહીવટી આદેશ
આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા તમામ કર્મચારીઓએ ઠરાવની તારીખથી 3 મહિના (3 માસ) ની અંદર પોતાના સંબંધિત સરકારી વિભાગ કે કચેરીમાં યોગ્ય દસ્તાવેજો સાથે અરજી જમા કરાવવાની રહેશે. નિયત સમયમર્યાદા વિત્યા બાદ આવેલી અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં, જેથી કર્મચારીઓને સમયસર અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: Ahmedabad: AMC ના આરોગ્ય વિભાગની લાલ આંખ, જુલાઈમાં ફૂડના 21 સેમ્પલ ફેલ