ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી કોલેજોમાં કામ કરતા વિઝિટિંગ લેક્ચરર્સ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રોત્સાહક ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે. કોલેજોમાં ગુણવત્તાસભર શિક્ષણ જળવાઈ રહે અને વિઝિટિંગ પ્રોફેસરોને તેમની સેવાનું યોગ્ય વળતર મળે તે હેતુથી તેમના માસિક વેતનમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે.
વિઝિટિંગ લેક્ચરર્સ માટે એક અત્યંત મહત્વપૂર્ણ ઠરાવ
અત્યાર સુધી વિઝિટિંગ લેક્ચરર્સને માસિક મહત્તમ રૂ. 15,000 ની મર્યાદામાં ચૂકવણું કરવામાં આવતું હતું, જે સીમાને હવે વધારીને મહત્તમ રૂ. 45,000 પ્રતિ માસ કરવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યની વિવિધ સરકારી આર્ટ્સ, સાયન્સ, કોમર્સ અને લો કોલેજોમાં ફરજ બજાવતા સેંકડો વિઝિટિંગ અધ્યાપકોને સીધો આર્થિક લાભ થશે.
કલાકદીઠ મહેનતાણાના દરોમાં સુધારો
નવા શૈક્ષણિક ઠરાવ મુજબ, માત્ર માસિક મર્યાદા જ નહીં પરંતુ કલાકદીઠ ચૂકવવામાં આવતા મહેનતાણાના દરોમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. કોલેજોમાં ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓને ભણાવતા વિઝિટિંગ લેક્ચરર્સને હવેથી પ્રતિ કલાક રૂ. 500 લેખે મહેનતાણું ચૂકવાશે. પોસ્ટ ગ્રેજ્યુએશન (માસ્ટર્સ) ના વર્ગો લેતા વિઝિટિંગ લેક્ચરર્સને પ્રતિ કલાક રૂ. 600 લેખે ચૂકવણું કરવામાં આવશે.
શૈક્ષણિક કાર્ય વધુ સુદ્રઢ બનાવવા નિર્ણય
શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સુધારેલા આ નવા દરો અને માસિક મર્યાદા ઠરાવ પ્રસિદ્ધ થયાની તારીખથી જ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યા છે. સરકારી કોલેજોમાં શૈક્ષણિક કાર્ય વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં આ નિર્ણયને એક મહત્ત્વનું કદમ ગણાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: Patadi: શ્રમિક સેવા ટ્રસ્ટની નિવાસી શાળામાં પાણી ભરાયા, 150 વિદ્યાર્થીઓને હાલાકી