ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ રહેલા સાર્વત્રિક ભારે વરસાદ અને જળબંબાકારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા 24 જુલાઈના રોજ લેવાનાર અલગ-અલગ 5 કેડરની તમામ પરીક્ષાઓ મુલતવી રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યભરમાં અનેક માર્ગો બંધ હોવાથી અને પૂરની સ્થિતિના કારણે દૂર-દૂરથી આવતા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલી ન પડે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે.
5 કેડરની પરીક્ષાઓ રદ, નવી તારીખોની ટૂંક સમયમાં થશે જાહેરાત
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત આ પરીક્ષાઓમાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર રહેવાના હતા. જોકે, દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં વણસેલી વરસાદી પરિસ્થિતિને કારણે મંડળે 24 જુલાઈના રોજ યોજાનાર તમામ પરીક્ષાઓ રદ કરવાનો આદેશ આપ્યો છે.

નવી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં જાહેર થશે
GSSSB દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, પરિસ્થિતિ સામાન્ય થયા બાદ આ 5 કેડરની પરીક્ષાઓ માટેની નવી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં મંડળની અધિકૃત વેબસાઇટ પર કરવામાં આવશે. ઉમેદવારોને આગળની અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટ જોતા રહેવા વિનંતી કરવામાં આવી છે.
આ પણ વાંચો - Gujarat Dam level : રાજ્યના 15 જળાશયો હાઈએલર્ટ પર, 10 ડેમ 100 ટકા ભરાઈ ગયા