ગુજરાતમાં જીએસટી વસૂલાત ક્ષેત્રે રાજ્યનો નોંધપાત્ર દબદબો યથાવત રહ્યો છે.ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં રાજ્યને જીએસટી પેટે રૂ.58248 કરોડ મળ્યા છે.જે ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ આશરે 28%નો વધારો દર્શાવે છે.સમગ્ર દેશમાં રાષ્ટ્રીય સરેરાશ ગ્રોથ માત્ર 13% નોંધાયો છે.જેની તુલનાએ ગુજરાતનો વિકાસ દર બમણાથી પણ વધુ રહ્યો છે.રાજ્ય કર વિભાગના સત્તાવાર આંકડા મુજબ ઓક્ટોબર 2026માં ગુજરાતને જીએસટી હેઠળ રૂ.8791 કરોડની જંગી આવક થઈ છે.ગત વર્ષના ઓક્ટોબર મહિનાની રૂ.7127 કરોડની આવક કરતાં આ આવક 18% વધુ છે.ગત વર્ષના સમાન મહિનાની તુલનાએ જીએસટી વસૂલાતમાં એક જ મહિનામાં રૂ.1664 કરોડનો સીધો વધારો નોંધાયો છે. 

ગુજરાતનો 28%નો ગ્રોથ ઘણો ઊંચો રહ્યો

તહેવારોની મોસમમાં થયેલી ભારે ખરીદીથી વ્યાપારી પ્રવૃત્તિઓમાં મોટો ઉછાળો નોંધાયો છે.કર પ્રણાલીમાં પારદર્શિતા વધતાં કરચોરી અટકાવવામાં પણ તંત્રને મોટી સફળતા મળી છે. બીજી તરફ,ઓક્ટોબર મહિનામાં રાજ્ય સરકારને વેટ પેટે રૂ.3153 કરોડની આવક થઈ છે.આ ઉપરાંત વીજશુલ્ક પેટે રૂ.1053 કરોડ સરકારી તિજોરીમાં જમા થયા છે.જ્યારે વ્યવસાય વેરા પેટે રાજ્યને રૂ.22 કરોડની આવક મળી છે.આ તમામ પરંપરાગત કરવેરા સાથે જીએસટી ઉમેરતાં ઓક્ટોબરમાં કુલ રૂ. 12619 કરોડની કર આવક પ્રાપ્ત થઈ છે.સમગ્ર દેશના 13%ના ગ્રોથ સામે ગુજરાતનો 28%નો ગ્રોથ ઘણો ઊંચો રહ્યો છે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 7 મહિનામાં ₹14.78 લાખ કરોડ

એપ્રિલથી ઓક્ટોબર 2026 દરમિયાન દેશનું કુલ ગ્રોસ GST કલેક્શન ₹14,77,569 કરોડ એટલે કે લગભગ ₹14.78 લાખ કરોડ રહ્યું છે. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં આ આંકડો ₹13,05,213 કરોડ હતો. આમ, પ્રથમ 7 મહિનામાં કુલ GST આવકમાં 13.2%નો વધારો થયો છે. આ સમયગાળામાં નેટ GST કલેક્શન પણ 12.6% વધીને ₹12,69,486 કરોડ થયું છે. સતત ચાર મહિનાથી GST કલેક્શન ₹2 લાખ કરોડની સપાટીથી ઉપર રહ્યું છે. ઓક્ટોબરના આંકડા તહેવારોની મોસમમાં ખરીદી, સ્થાનિક વ્યવહારો અને આયાત સંબંધિત પ્રવૃત્તિઓમાં તેજી દર્શાવે છે. જોકે, માત્ર GST આવકના આંકડા પરથી જ સમગ્ર અર્થતંત્રની સ્થિતિનો નિર્ણય કરી શકાય નહીં; આયાતમાંથી મળતી આવકમાં થયેલો મોટો વધારો પણ આ વખતના કલેક્શનને ઉપર લઈ ગયો છે.

આ પણ વાંચોઃ Rajkot News: રાજસ્થાનથી દારૂ લાવ્યા હોવાની ડેકોરાના MD ચિરાગ પટેલની કબૂલાત, હોટેલના માલિકની પુછપરછ થશે