CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે એક ઐતિહાસિક પગલું ભરતાં ગુજરાત જન વિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-2025 વિધાનસભામાં પસાર કર્યું છે. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે રજૂ કરેલા આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ અને ‘અર્નિંગ વેલ - લિવિંગ વેલ’ ના મંત્રને સાકાર કરવાનો છે. આ બિલ દ્વારા છ વિભાગોના 11 કાયદાઓ અને અધિનિયમોમાં કુલ 516 જેટલી જોગવાઈઓમાં સુધારા કરવામાં આવશે, જેનાથી નાગરિકો અને ઉદ્યોગસાહસિકો પરનો કાયદાકીય બોજ ઘટશે. આ પગલું PM નરેન્દ્રભાઈ મોદીના ‘મેક્સિમમ ગવર્નન્સ - મિનિમમ ગવર્મેન્ટ’ના ધ્યેયને અનુરૂપ છે.
દંડ અને જેલની સજાને નાણાકીય પેનલ્ટીમાં પરિવર્તિત કરાશે
આ વિધેયકનો સૌથી મોટો ફાયદો એ છે કે, તે નાની ભૂલો માટે થતી જેલની સજા કે ભારે દંડને નાણાકીય પેનલ્ટીમાં પરિવર્તિત કરશે. કુલ 17 જોગવાઈઓમાં કેદ અથવા ફાઈનને પેનલ્ટીથી બદલવામાં આવી છે, જ્યારે 498 ફાઈનને પણ પેનલ્ટીથી બદલવામાં આવશે. આનાથી કાયદાની ચૂકના કિસ્સામાં નાગરિકોમાં બિનજરૂરી ભય ઘટશે અને ન્યાયિક પ્રણાલી પરનું ભારણ પણ ઓછું થશે. આ સુધારાઓ દ્વારા સરકાર વિશ્વાસ આધારિત શાસનને પ્રોત્સાહન આપી રહી છે, જે ખાસ કરીને MSME અને સ્ટાર્ટઅપ્સ જેવા નાના વ્યવસાયોને વિકાસ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડશે.













