રાજ્યમાં ચોમાસા દરમિયાન મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગોમાં વધારો નોંધાયો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે બિમારીને નાથવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કમર કસવામાં આવી છે. રાજ્યમાં મેલેરિયા સંવેદનશીલ 21 જિલ્લાના 196 ગામોમાં જંતુનાશક દવા છંટકાવનો પ્રથમ તબક્કો પૂર્ણ કરવામાં આવ્યો છે. જ્યારે બીજો તબક્કો પહેલી ઓગસ્ટથી શરૂ થશે. રાજ્યના આરોગ્ય વિભાગે રોગચાળાને નાથવા માટેની કામગીરીને વધુ સઘન બનાવી છે.
ડેન્ગ્યુ તપાસ માટે 67 હજારથી વધુ સીરમ લેવામાં આવ્યા હતા
આરોગ્ય વિભાગની વિવિધ ટીમ દ્વારા વર્ષ 2023થી છેલ્લા 3 વર્ષમાં રાજ્યના નાગરિકોના કુલ 4.48 કરોડ કરતાં વધુ લોહીના નમૂના અને 4.46 લાખ કરતાં વધુ સીરમના સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 8956 મેલેરિયાના કેસ, 15841 ડેન્ગ્યુના કેસ અને 1345 જેટલા ચિકાનગુનિયાના કેસ નોંધાયા હતા.જેમાં વર્ષ 2025માં છેલ્લા 28 સપ્તાહમાં 92.86 લાખથી વધુ લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.જેમાંથી 860 કેસ મેલેરિયાના જોવા મળ્યા છે જેને કારણે 40 નાગરિકોના મૃત્યુ થયા હતા. જ્યારે ડેન્ગ્યુ તપાસ માટે 67 હજારથી વધુ સીરમ લેવામાં આવ્યા હતા. જેમાંથી 728 કેસ ડેન્ગ્યુના તેમજ 130 કેસ ચિકનગુનિયાના નોંધાયા હતા.
રોગોની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ રહે તે માટે અનેક પગલાં
આરોગ્ય વિભાગ દ્વારા વાહક જન્ય રોગોની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ રહે તે માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે.જેમ કે, મેલેરિયા માટે સંવેદનશીલ 21 જિલ્લાના 196 ગામોની અંદાજે 2.04 લાખની વસ્તીને જંતુનાશક દવા છંટકાવના તા.16 મે-2025થી 11 જુલાઈ-2025 સુધીના પ્રથમ રાઉન્ડ હેઠળ આવરી લેવામાં આવી છે. જ્યારે જંતુનાશક દવા છંટકાવના બીજા રાઉન્ડની કામગીરી તા.01 ઓગસ્ટ 2025થી શરૂ કરવામાં આવશે.આ ઉપરાંત ચોમાસાની ઋતુ દરમિયાન વાહકજન્ય રોગો માટે સંવેદનશીલ જણાતા વિસ્તારોમાં પોરાનાશક અને તાવ સર્વેલન્સની કામગીરી સઘન રીતે હાથ ધરવા 2460 વ્યક્તિઓ સાથેની કુલ 492 વેક્ટર કંટ્રોલ ટીમ મૂકવામાં આવી છે.
અઠવાડીક અને માસિક ધોરણે મોનીટરીંગ પણ કરવામાં આવનાર છે
આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા તા.09 થી 21 જૂન 2025 દરમિયાન રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરપાલિકાના વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરી તાવ સર્વેલન્સ, પોરાનાશક અને આરોગ્યશિક્ષણની પ્રવૃતિ ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવી રહી છે. જેમાં 92 ટકા વસ્તી કવર કરવામાં આવી છે.જ્યારે હાઉસ ટુ હાઉસના બીજા રાઉન્ડનું આયોજન આગામી તા.21 જુલાઇ 2025થી હાથ ધરવામાં આવશે.આ ઉપરાંત રાજ્યમાં 3431 જગ્યાએ પોરાભક્ષક માછલીઓ મુકવામાં આવી છે.આમ વાહકજન્ય રોગોની સમગ્ર પરિસ્થિતીનું દૈનિક, અઠવાડીક અને માસિક ધોરણે મોનીટરીંગ પણ કરવામાં આવનાર છે.