મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના 79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્યની જનતાને શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ-સંધ્યાએ ગુજરાતના નાગરિકોને રાષ્ટ્ર હિત પ્રથમનો ભાવ હરહંમેશ હૈયે રાખવાનું આહ્વાન કરતો પ્રજાજોગ સંદેશ પાઠવ્યો છે.આઝાદીના સાડા સાત દાયકાથી વધુ સમય પૂર્ણ કરીને ભારત દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. આજે ભારત દેશ વિકાસની હરણફાળ ભરીને વિશ્વની મહાસત્તાઓમાં સ્થાન પામવા માટે સક્ષમ બન્યો છે, તેમ જણાવી મુખ્યમંત્રીએ આઝાદીનું વટવૃક્ષ સિંચનારા દેશના ક્રાંતિવીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્ર પુરુષોના ત્યાગ, તપસ્યા અને બલિદાનને બિરદાવ્યા હતા.


તિરંગા અભિયાનથી જનજનમાં રાષ્ટ્રહિત પ્રબળ બનાવ્યું

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આઝાદીના સાડા સાત દાયકાથી વધુ સમય પૂર્ણ કરીને આપણે સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગે કદમ ભરી રહ્યા છીએ.આજે આપણો દેશ વિશ્વની મહાસત્તાઓમાં સ્થાન પામવા સક્ષમ બન્યો છે.ભારતે વડાપ્રધાન મોદીની લીડરશીપમાં ઓપરેશન સિંદુરની સફળતાથી દુનિયાને એ બતાવ્યું છે.આતંકવાદ કે દેશની સુરક્ષા-સલામતિ સામેનો કોઈ કાંકરી ચાળો ભારતમાં ચાલશે નહીં એવો સાફ સંકેત વડાપ્રધાને દુનિયાને આપી દીધો છે.ગુજરાતમાં આપણે ગામેગામ અને નગરો-શહેરોમાં હર ઘર તિરંગા અભિયાનથી જનજનમાં રાષ્ટ્રહિત પ્રબળ બનાવ્યું છે.


સૌને ઉડીને આંખે વળગે તેવો વિકાસ ગુજરાતે કર્યો

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે,આ વર્ષનું સ્વતંત્રતા પર્વ આપણા માટે વિશેષ મહત્વનું પર્વ છે.1960માં મુંબઈ રાજ્યથી અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા આપણા ગુજરાતના 75 વર્ષ એક દાયકા પછી એટલે કે 2035માં થવાના છે.સ્વસ્થ અને સક્ષમ ભવિષ્યના નિર્માણ માટે આંગણવાડીઓથી લઈને પ્રાથમિક શાળાના ભૂલકાંઓને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાથી પોષક આહાર પૂરો પાડીએ છીએ.કૃષિ અને ગ્રામીણ અર્થતંત્રથી લઈને વેપાર ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, દરેકે દરેક ક્ષેત્રોમાં સૌને ઉડીને આંખે વળગે તેવો વિકાસ ગુજરાતે કર્યો છે.

ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ આપીએ છીએ

ગુજરાતમાં શહેરી વિસ્તારમાં 9 લાખ અને ગ્રામીણ ક્ષેત્રમાં 2 લાખ 20 હજાર જેટલા આવાસો PMAY માં બનાવીને જરૂરતમંદ લોકોને પાકા આવાસ આપ્યા છે. 76 લાખ અંત્યોદય પરિવારોના કુલ 3 કરોડ 26 લાખ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ આપીએ છીએ.ગુજરાતમાં 2 કરોડ 90 લાખ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે અને લાખો પરિવારો કેશલેસ સારવારનો લાભ મેળવે છે.ટી.બી. મુક્ત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત માટે પણ સઘન જનજાગૃતિ ઝુંબેશ ઉપાડી છે.આદિજાતિ બાંધવો હોય કે શ્રમિક પરિવારો તેમની પણ શિક્ષણ, રહેઠાણ, આરોગ્યની ચિંતા આ સરકારે કરી છે.

આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ

ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા સાથે સમગ્ર રાજ્યમાં લોકોને પીવાનું પૂરતું પાણી મળી રહે તેવું સુદ્રઢ જળ વિસ્તરણ વ્યવસ્થાપન વિકસાવ્યું છે.રાજ્યના શહેરોને સ્માર્ટ અને સસ્ટેનેબલ બનાવવા આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ.આવનારા સમયમાં રાજ્યના શહેરો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગેમ્સની યજમાની કરવાના છે.આ તૈયારીના ભાગ રૂપે આપણા મહાનગરોમાં ઉચ્ચ કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રસ્ટ્રક્ચર વિકસાવી રહ્યાં છીએ.ઊભરતાં ક્ષેત્ર એવાં સેમીકન્ડક્ટર સેક્ટરમાં ગુજરાત હબ બનવા જઈ રહ્યું છે.79માં સ્વાતંત્ર્ય પર્વે આપણે સંકલ્પ લઈએ કે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં તન, મન અને ધનથી સમર્પિત રહીશું.


  • Follow us on: