મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્યમાં રસ્તા અને બ્રિજના સમારકામની કામગીરીનો અભિયાન મહાજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે ભૂતકાળમાં બનેલી મુજપુર ગંભીરા જેવી પુલ દુર્ઘટના આગામી સમયમાં ન બને તે માટે રાજ્ય સરકાર એક્શન મોડમાં કામ કરી રહી છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં જ્યાં રોડ રસ્તા અને પુલની નબળી કામગીરી દેખાય તો તે જિલ્લાના વરિષ્ઠ અધિકારી, અધિકારીએ કોન્ટ્રાક્ટર સામે ગંભીર પગલા લેવા આદેશ આપવામાં આવ્યા છે.


રસ્તાઓમાં ખામી અને નુકસાન જોવા મળ્યું

ઉક્ત કામગીરી અંતર્ગત જામનગર મહાનગરપાલિકામાં શહેરના ત્રણ મુખ્ય સી.સી. રોડ, કામદાર કોલોની મેઇન રોડ,જનતા ફાટકથી એમ્યુઝમેંટ પાર્ક થઈ 1404 આવાસ સુધીનો રોડ અને એમ્યુઝમેન્ટ પાર્કથી સત્યમ કોલોની સુધીના રોડ પર આસ્ફાલ્ટ રી-કાર્પેટિંગનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ તમામ માર્ગોના રી-કાર્પેટિંગનું કામ મે–2022 માં પૂર્ણ થયું હતું. ચાલુ વર્ષે ઉપરોક્ત રસ્તાઓમાં ખામી અને નુકસાન જોવા મળ્યું છે. જે ધ્યાને લઈ મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને ટેન્ડરની શરતો અનુસાર નોટિસ પાઠવવામાં આવી હતી.

સીધી જવાબદારી કોન્ટ્રાક્ટરની છે

રોડ હાલ પણ ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ હેઠળ આવેલુ હોવાથી સીધી જવાબદારી કોન્ટ્રાક્ટરની છે.રોડમાં થયેલ નુકસાનની મરામત કોન્ટ્રાક્ટર પાસેથી તેના સ્વખર્ચે કરવામાં આવશે. ટેન્ડર કોન્ટ્રાક્ટના ટેન્ડર ક્લોઝ નં.3 અને 17 અનુસાર કુલ 1520 ચો.મી.રોડ રીસરફેસમાં નુકશાન થયું હતું તેને ડિફેક્ટ લાયેબિલિટી ક્લોઝ અનુસાર કોન્ટ્રાકટર પાસેથી જ રિપેરિંગ અને રી-કન્સ્ટ્રકશન કરાવવામાં આવશે. આ ઉપરાંત ભાવનગર શહેરમાં ભાવનગર મહાનગરપાલિકા હસ્તક રામમંત્ર મંદિરથી દીલ્બહાર પાણીની ટાંકી સુધી બીટુમીનીયસ પેવરના કામ માટે એજન્સી ઓમ કન્સ્ટ્રકશનને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ કામ કંપની દ્વારા તા.૦૧ જાન્યુઆરી 2022ના રોજ પૂરું કરવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક સમય પછી આ કામમાં ક્ષતિ જણાતા ઓમ કન્સ્ટ્રકશનના ખર્ચે ડીફેકટવાળા ભાગને રીકાર્પેટીંગ કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ શહેરમાં આવેલ વોર્ડ નં.1 થી 15માં અનેક માર્ગો ડેમેજ થયા

ચોમાસાના કારણે જૂનાગઢ શહેરમાં આવેલ વોર્ડ નં.1 થી 15માં અનેક માર્ગો ડેમેજ થયા હતા.શહેરના વોર્ડ નં.1 થી 15માં વિવિધ ગ્રાન્ટ અંતર્ગત રોડ રસ્તાના કામો મંજૂર થયા હતા અને આ કામો હાલ ગેરેંટી પીરીયડ હેઠળ ચાલુ હતા અને રોડ ડેમેજ થયું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા રોડની ઉપરની સરફેશમાં નુકશાન થયેલ અમુક ભાગો છોડી દેવામાં આવ્યા હતા. તેમજ કરવામાં આવતા પેચ, રીસર્ફેસીંગ રોડની સંપુર્ણ પહોળાઈમાં કરવામાં આવ્યું ન હતું. વધુમાં સંપુર્ણ સરફેશમાં પેચવર્ક કર્યા બાદ તેમાં આસફાલ્ટ પેઈન્ટીંગ, થર્મોપ્લાસ્ટ વગેરેની કામગીરી પણ હજુ સુધી શરૂ કરવામાં આવી ન હતી આ રોડના સમારકામનું કામ પણ સમય મર્યાદામાં પૂર્ણ થયું ન હતું.જૂનાગઢ મહાનગરપાલિકાને ઘટનાની જાણ થતા ત્રણેય કોન્ટ્રાકટરને નોટીસ આપી સમય મર્યાદામાં તે જગ્યાએ વોર્ડના સંલગ્ન એન્જીનિયરની સુચના મુજબ તેમના સંકલનમાં રહી તાત્કાલિક કામગીરી પુર્ણ કરવા માટે સુચના આપવામાં આવી હતી.

સઘન ચકાસણી કરી લેવાની સૂચનાઓ

વધુમાં મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલતી ભૂગર્ભ ગટરની કામગીરી અંતર્ગત ચોમાસા પહેલા નવા માર્ગોનું ખોદાણ ન કરવા તેમજ ચોમાસા પૂર્વ ખોદાણ કરેલ માર્ગોને રીપેર કરવા માટે જરૂરીયાત મુજબ મટીરીયલનો ઉપયોગ કરી વોટરીંગ, તથા રોલિંગ કરવા માટે પી.સી. સ્નેહલ કન્ટ્રકશન પ્રા.લીને મહાનગરપાલીકા, જૂનાગઢ દ્વારા નોટીસ પાઠવવામાં આવી હતી.આ ઉપરાંત, રાજ્યના મહાનગરપાલિકા – નગર પાલિકા અને જિલ્લાઓમાં જિલ્લા વહીવટીતંત્રના વડા અને મ્યુનિસિપલ કમિશનરશ્રીઓને રોડ-રસ્તા અને અન્ય પુલોની સલામતી ધ્યાને લેતા જાહેરહિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરી લેવાની પણ સૂચનાઓ મુખ્યમંત્રીએ આપી હતી.

  • Follow us on: