સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરીની સમગ્ર ટીમ તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારી અને સ્ટાફ સાથે સંકલન સાધીને સમગ્ર પ્રક્રિયાને વેગવાન બનાવવા કાર્યરત છે.
5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ
2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જ્યારે અમુક જિલ્લાઓમાં 100% વિતરણનું લક્ષ્ય હાંસલ થવામાં છે. આ ફોર્મ પૈકી પરત મળેલા ફોર્મને ડિજીટાઈઝેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જે પૈકી બે વિધાનસભા મતવિસ્તારમાં ડિજીટાઈઝેશનની કામગીરી 100 % પુરી થઈ ચૂકી છે. જેમાં બનાસકાંઠાની ધાનેરા બેઠક અને દાહોદની લીમખેડા બેઠકનો સમાવેશ થાય છે. આ કામગીરીમાં 93.14 % ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ કામગીરી પ્રગતિમાં છે.

