ગુજરાતમાં ઇમરજન્સી સેવાઓને વધુ સુદ્રઢ કરવાના હેતુથી 112 જનરક્ષક વાહનોને લઈને રાજ્ય પોલીસ વડા દ્વારા એક મહત્વપૂર્ણ હુકમ કરવામાં આવ્યો છે. 112 સેવાઓ માટે હયાત સ્ટાફની જગ્યાએ હવે જિલ્લા અને શહેર કક્ષાએ એક અલગ જ પોલીસ મહેકમ ઊભું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થાથી ઇમરજન્સી કોલ પર પોલીસનો રિસ્પોન્સ ટાઇમ વધુ ઝડપી બનશે.
સ્ટાફની અછત દૂર કરી 902 વાહનોનો પૂરતો ઉપયોગ કરાશે
રાજ્યમાં કુલ 902 જનરક્ષક વાહનો મંજૂર થયેલા છે, જેમાંથી હાલ 402 વાહનો જ કાર્યરત છે. પુરતા સ્ટાફના અભાવે આ વાહનોનો પૂર્ણ ક્ષમતા સાથે ઉપયોગ થઈ શકતો ન હતો. આ સમસ્યાના ઉકેલ માટે DGP દ્વારા 902 વાહનો માટે નવું સ્ટાફ સેટઅપ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. હવે વાહનદીઠ ચોક્કસ ડ્રાઈવર અને પોલીસ સ્ટાફની તૈનાતી કરવામાં આવશે, જેના પર સીધું કંટ્રોલ રૂમનું નિયંત્રણ રહેશે.

શિફ્ટના કલાકો નક્કી, 24 કલાકની સળંગ ડ્યુટી પર સંપૂર્ણ પ્રતિબંધ
નવી નીતિ મુજબ પોલીસ કર્મચારીઓ માટે 8 કલાકની શિફ્ટને પ્રાથમિકતા આપવાની રહેશે. માત્ર અનિવાર્ય સંજોગોમાં જ 12 કલાકની શિફ્ટ રાખી શકાશે, પરંતુ કોઈપણ સંજોગોમાં કર્મચારી પાસે 24 કલાકની સળંગ ડ્યુટી કરાવી શકાશે નહીં. આ નિર્ણયથી પોલીસ કર્મચારીઓનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહેશે અને કામગીરીમાં સક્ષમતા આવશે.

મહિલા પોલીસ કર્મચારીઓ માટે વિશેષ રાહત
આ નવી વ્યવસ્થામાં મહિલા પોલીસ કર્મચારીઓ માટે પણ વિશેષ સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. જનરક્ષક વાહનોમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીઓને માત્ર દિવસ દરમિયાનની જ ફરજ સોંપવાની સૂચના આપવામાં આવી છે, જેથી તેમની સુવિધા અને સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.


આ પણ વાંચો - Monsoon 2026 : રેડ એલર્ટ છતાં અમદાવાદમાં હજું સુધી એક ટીપું પડ્યું નહી તેવો સવાલ થાય છે ? જાણો Google શું કહે છે