ગુજરાતભરમાં આગામી ગણેશોત્સવનો તહેવાર ભક્તિમય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે પોલીસ તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરી લેવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા (DGP) જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ પોલીસ કમિશનરો, રેન્જ વડાઓ અને જિલ્લા પોલીસ વડાઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સુરક્ષા વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી હતી.
શ્રીજીના આગમનથી વિસર્જન સુધી ગુજરાત પોલીસ અલર્ટ
ડીજીપીએ ગણેશ સ્થાપનાથી લઈને વિસર્જન સુધી સમગ્ર રાજ્યમાં કડક સુરક્ષા બંદોબસ્ત જાળવી રાખવા સ્પષ્ટ આદેશ આપ્યા છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત ભીડ નિયંત્રણ, ટ્રાફિક ડાયવર્ઝન પ્લાન અને 24 કલાક સતત પેટ્રોલિંગ હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. ગણેશોત્સવ દરમિયાન શાંતિ અને કોમી સૌહાર્દ જળવાઈ રહે તે માટે સ્થાનિક ગણેશ મંડળો અને દરેક વિસ્તારની શાંતિ સમિતિઓ સાથે તાત્કાલિક બેઠકો યોજવા જણાવાયું છે. મુખ્ય વિસર્જન રૂટ અને ગણેશ પંડાલોમાં CCTV કેમેરા અને ડ્રોન કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવશે.
