રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે નાગરિકોના જાનમાલના રક્ષણ માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક અને આયોજનબદ્ધ પૂર્વતૈયારીઓ હાથ ધરવામાં આવી છે.રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના અધ્યક્ષસ્થાને આજે ઉચ્ચ સ્તરીય વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં રાજ્યના તમામ શહેર,જિલ્લા અને રેન્જ વડાઓને સતર્ક રહેવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. આપત્તિ સામે લડવા માટે પૂર-રાહત અને બચાવ કામગીરીના યાંત્રિક સાધનો તથા બોટને વાપરવા લાયક સજ્જ રાખવા સૂચના અપાઈ છે.
ટ્રાફિક નિયમન માટે પોલીસ જવાનો તૈનાત કરાયા
NDRF અને SDRFની ટીમો સાથે સંકલન સાધીને સ્થાનિક પોલીસને પણ કામગીરીમાં જોડવામાં આવી છે.આ ઉપરાંત નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાંથી નાગરિકોની સાથે પશુધનને પણ સુરક્ષિત સ્થળે ખસેડવા માટે જિલ્લા વહીવટી તંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન, વન વિભાગ, માર્ગ-મકાન વિભાગ અને વીજ કંપનીઓ સાથે મળીને સંયુક્ત 'ઇવેક્યુએશન પ્લાન' પણ અમલમાં મૂકવામાં આવ્યો છે.આ ઉપરાંત રાજ્યમાં વાહનવ્યવહાર સુચારૂ રીતે ચાલે તે માટે રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર ટ્રાફિક નિયમન માટે પોલીસ જવાનો તૈનાત કરાયા છે.
સુરક્ષિત આશ્રયસ્થાનો સુનિશ્ચિત કરવામાં આવ્યા
બંધ પડેલા વાહનોને ખસેડવા ક્રેનની સુવિધાઓ અને જરૂર પડ્યે વૈકલ્પિક રસ્તાઓની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.જનજાગૃતિ માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ, સોશિયલ મીડિયા અને લોકલ નેટવર્ક દ્વારા નાગરિકોને જર્જરીત મકાનો, વીજળીના થાંભલા કે નદી-નાળાથી દૂર રહેવા સતત ચેતવણી આપવામાં આવી રહી છે. સ્થળાંતરિત કરાયેલા નાગરિકો માટે બનાવેલા રાહત કેન્દ્રો પર ખોરાક, શુદ્ધ પીવાનું પાણી, વીજળી અને ખાસ કરીને મહિલાઓ, બાળકો તથા વરિષ્ઠ નાગરિકો માટે સુરક્ષિત આશ્રયસ્થાનો સુનિશ્ચિત કરવામાં આવ્યા છે.
ફાયર સર્વિસના જવાનોને અગાઉથી જ ખડેપગે કરી દેવાયા
સમગ્ર પરિસ્થિતિ પર 24 કલાક નજર રાખવા માટે જિલ્લા કંટ્રોલ રૂમ સક્રિય કરાયા છે જે ગાંધીનગર સ્થિત સ્ટેટ કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં રહેશે.વિકટ પરિસ્થિતિમાં પણ સંદેશાવ્યવહાર ખોરવાય નહીં તે માટે VHF, HF અને ROIP સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સંવેદનશીલ સ્થળો પર પોલીસ, હોમગાર્ડ્સ, GRD, TRB અને ફાયર સર્વિસના જવાનોને અગાઉથી જ ખડેપગે કરી દેવાયા છે. આગામી 24 થી 48 કલાક દરમિયાન તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અત્યંત સજાગ રહી માનવજીવન તેમજ પશુઓની સુરક્ષા માટે ઝડપી અને નિવારક પગલાં લેવા આદેશ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં ભારે વરસાદ સાથે ફ્લેશ ફ્લડ અને વાવાઝોડાની શક્યતા, મનપાના તમામ અધિકારીઓની રજાઓ રદ