રાજ્ય પોલીસ વડા જી.એસ.મલિકની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.જેમાં રાજ્યના તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા અને એસઆરપી અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.આ બેઠકમાં રાજ્યની કાયદો અને વ્યવસ્થાની વર્તમાન સ્થિતિની વિગતવાર આંકલન કરવામાં આવ્યું હતું. જી.એસ.મલિકે સમગ્ર પોલીસ તંત્રને સતત સતર્ક રહીને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તથા તમામ સરકારી મિલકતો અને કચેરીઓની સુરક્ષા વધારવા કડક નિર્દેશ આપ્યા હતા.
ફેક વીડિયો અને અફવાઓ પર કડક નજર
આ ઉપરાંત સોશિયલ મીડિયા પર AI દ્વારા બનાવવામાં આવતા ફેક વીડિયો અને અફવાઓ પર કડક નજર રાખવા માટે સાયબર મોનિટરિંગ વધારે તેજ કરવા તાકીદ કરવામાં આવી હતી.દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી ભારે વરસાદની વિકટ સ્થિતિ અંગે પણ બેઠકમાં ખાસ સમીક્ષા કરવામાં આવી હતી.વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત બચાવ અને લોકોના સુરક્ષિત સ્થળાંતર માટે પોલીસ વિભાગને સંપૂર્ણ એલર્ટ રહેવા આદેશ અપાયા છે. સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંકલન જાળવીને કામગીરી કરવા તેમજ નાગરિકોની સલામતી અને વાહનવ્યવહારની સુગમતા જળવાઈ રહે તે માટે પોલીસ અને SRPની ટીમોને એલર્ટ મોડ પર મૂકવામાં આવી છે.
