સુરતમાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર પૂરેપૂરું એલર્ટ મોડ પર આવી ગયું છે. સુરત કલેક્ટર દ્વારા તમામ નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી ગેરમાર્ગે ન દોરવવા ખાસ અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત વર્તમાન વરસાદી માહોલ દરમિયાન બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા તેમજ વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવતી માહિતી અને સૂચનાઓનું જ કડકપણે પાલન કરવા વિનંતી કરાઈ છે.
અફવાઓથી દૂર રહેવા અને સતર્ક રહેવા અપીલ
સુરક્ષાના ભાગરૂપે કલેક્ટર તંત્ર દ્વારા વિશેષ માર્ગદર્શિકા જાહેર કરતાં જણાવવામાં આવ્યું છે કે, ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ થતો હોય તેવા સમયે ખુલ્લા મેદાન કે ઝાડ નીચે ન જવું. તેમજ ઘરમાં રહેલા ઇલેક્ટ્રિક ઉપકરણોને અનપ્લગ કરી દેવા જેથી કોઈ અકસ્માત ન સર્જાય. નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા અફવાઓથી દૂર રહેવા અને સતર્ક રહેવા પુનઃ ભારપૂર્વક અપીલ કરવામાં આવી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રજા
વરસાદની પરિસ્થિતિ અને ભારે વરસાદની આગાહીને ધ્યાને લઇને આવતીકાલે યુનિવર્સિટી ખાતે અને સુરત શહેર અને જિલ્લાની તમામ કોલેજોમાં સંપૂર્ણ રજા જાહેર કરવામાં આવી છે. અન્ય જિલ્લા ખાતે પણ જિલ્લા વહીવટ તંત્ર સાથે યોગ્ય સંકલન/ પરામર્શન કરી વરસાદની અને પાણી પરિસ્થિતિ મુજબ વિવેકબુદ્ધિ મુજબ કોલેજ ચાલુ રાખવી કે ન રાખવી તે બાબતે યોગ્ય નિર્ણય લઈ શકશે
રાત્રિના 9:30 વાગ્યા પછી ઘરની બહાર કોઈએ ન નીકળવા અપીલ
મનપાના કમિશ્રર એમ.નાગરજને સંદેશ ડિજિટલને જણાવ્યું હતું કે, સુરત શહેરમાં મોડી રાત્રે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લોકોને રાત્રે 9 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જવા અપીલ કરવામાં આવી છે. રાત્રે 9.30 પછી લોકોને બહાર નહીં નીકળવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. આજે રાત્રે 11 વાગ્યાથી લઈને સવારે 4 વાગ્યા સુધીમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ વખતે ગત વખત કરતાં પણ વધારે વરસાદ ખાબકે તેવી સંભાવનાઓ છે.
આ પણ વાંચોઃ Gujarat News: રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 89 શંકાસ્પદ કેસ નોંધાયા, 12 દર્દીઓના મૃત્યુ