ગુજરાતમાં રસ્તા,પાણી,શિક્ષણ અને આરોગ્ય જેવા માળખાકીય વિકાસના કાર્યો વેગવંતા બન્યા છે ત્યારે તેની પાછળ સરકાર પર વધી રહેલો દેવાનો બોજ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા સવાલના લેખિત જવાબમાં નાણામંત્રી દ્વારા ચોંકાવનારા આંકડા રજૂ કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન 3.74 લાખ કરોડ રૂપિયા રહેલું રાજ્યનું જાહેર દેવું વર્ષ 2025-26માં વધીને 4.30 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.જે એક જ વર્ષમાં રાજ્યના દેવામાં મોટો વધારો છે.
12126 કરોડ રૂપિયા મુદ્દલ પેટે ચૂકવી
સરકાર દ્વારા વિકાસ કાર્યો માટે લેવામાં આવેલા આ દેવાને કારણે રાજ્યની તિજોરી પર વ્યાજ અને મુદ્દલની ચૂકવણીનું મોટું ભારણ વધ્યું છે.અત્યાર સુધીમાં સરકારે દેવા પર 25604 કરોડ રૂપિયાનું વ્યાજ અને 12126 કરોડ રૂપિયા મુદ્દલ પેટે ચૂકવી દીધા છે.આગામી સમયમાં પણ સરકારે ફક્ત મુદ્દલની જ 34025 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ચૂકવવાની છે. કરોડો રૂપિયાની આ રકમ માત્ર દેવા અને તેના વ્યાજ પાછળ જ ખર્ચાઈ રહી છે.જે સામાન્ય નાગરિકો માટે પણ ચિંતાનો વિષય છે કારણ કે આ નાણાંનો ઉપયોગ સીધો જ જનકલ્યાણની અન્ય યોજનાઓ માટે થઈ શકતો હતો.
