ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓની લાંબા સમયથી અટવાયેલી માંગણીઓને લઈને રાજ્ય સરકાર પર સતત દબાણ વધી રહ્યું છે. ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને એક મહત્વપૂર્ણ લેખિત પત્ર પાઠવવામાં આવ્યો છે. આ પત્રમાં કર્મચારીઓના હિત સાથે જોડાયેલા કુલ 20 પડતર પ્રશ્નો પર ભાર મૂકવામાં આવ્યો છે, અને વહેલી તકે તેના હકારાત્મક ઉકેલની માગ કરવામાં આવી છે.
ફિક્સ પગાર અને ભથ્થા સહિતના મુખ્ય મુદ્દાઓ
સંગઠન દ્વારા કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં મુખ્યત્વે 20 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓની સમસ્યાઓ, પગાર ભથ્થામાં સુધારો, સરકારી વિભાગોમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલિક ભરવી અને વર્ગ 4ની નવી ભરતીઓ શરૂ રવા જેવા અત્યંત મહત્વના વિષયો સામેલ છે. કર્મચારીઓની દલીલ છે કે, મોંઘવારીના આ યુગમાં પ્રવતમાન પગાર ધોરણો પૂરતા સાબિત થતા નથી.





