ગુજરાત પોલીસે ટેક્નોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને સાયબર સુરક્ષા અને નાગરિકોના હિતમાં એક મોટો સીમાચિહ્ન સર કર્યો છે. ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોન શોધી કાઢવાના અભિયાનમાં ગુજરાતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી દેશના મોટા રાજ્યોમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાતનો મોબાઈલ રિકવરી દર રાષ્ટ્રીય સરેરાશ 37.4% ની સામે પ્રભાવશાળી 50.75% જેટલો ઊંચો નોંધાયો છે, જે દર્શાવે છે કે રાજ્યમાં ડિજિટલ અપરાધો સામે પોલીસ કેટલી સક્રિય છે.

74,823 મૂળ માલિકોને પાછા મળ્યા

રાજ્યમાં સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટ્રાર (CEIR) પોર્ટલના સચોટ અમલીકરણના પરિણામે અત્યાર સુધીમાં 2.38 લાખથી વધુ મોબાઇલ હેન્ડસેટ સફળતાપૂર્વક બ્લોક કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ટેક્નોલૉજીની મદદથી 1.47 લાખથી વધુ મોબાઈલ ટ્રેસ કરવામાં આવ્યા છે, જેમાંથી 74,823 મૂળ માલિકોને તેમના કિંમતી મોબાઈલ ફોન સન્માનપૂર્વક પરત સોંપવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ છ મહિનાના પ્રદર્શનમાં આણંદ જિલ્લો પ્રથમ ક્રમે અને ડાંગ જિલ્લો બીજા ક્રમે રહીને શાનદાર કામગીરી બતાવી છે.

CEIR પોર્ટલનું ઉત્કૃષ્ટ અમલીકરણ

ટેલિકોમ વિભાગ (DoT) અને ગુજરાત પોલીસના સંયુક્ત પ્રયાસોથી નાગરિકોને ચોરાયેલા ફોન પાછા અપાવવામાં મોટી સફળતા મળી છે. આ સુવર્ણ સિદ્ધિ અને CEIR પોર્ટલના શ્રેષ્ઠ અમલીકરણ બદલ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારની આ પહેલથી સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે તેમજ સાયબર ઠગાઈ અને મોબાઈલ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો : Rajkot: પૂનમબેન માડમ અને રિવાબા જાડેજા એકસાથે મંચ પર જોવા મળ્યા; જૂનો વિવાદ ભૂલાયો કે રાજકીય મજબૂરી?