ગુજરાતમાં વર્ષ 2030 ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા પૂરજોશમાં પ્રયાસો ચાલી રહ્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે, કોમનવેલ્થ ગેમ્સના ડિરેક્ટર ડ્રમ હોલ અને તેમની ટીમ ગુજરાતની મુલાકાતે આવી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતની સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હોસ્પિટાલિટી અને અન્ય સુવિધાઓની સક્ષમતાનું આકલન કરવાનો હતો, જેથી રાજ્યની દાવેદારીને વધુ મજબૂત બનાવી શકાય.


મોટા અધિકારીઓ રહ્યા હાજર

ડિરેક્ટર ડ્રમ હોલે રમતગમત મંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના હરપાલ સિંહ અને ગુજરાતના રમતગમત વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ગુજરાતની તૈયારીઓ અને ભવિષ્યની યોજનાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ, કમિટીએ ગાંધીનગર અને અમદાવાદના 6થી વધુ મહત્વના સ્થળોની મુલાકાત લીધી હતી. આમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલ, રિવરફ્રન્ટ, સંસ્કારધામ, મહાત્મા મંદિર અને IIT જેવા સ્થળોનો સમાવેશ થાય છે. આ મુલાકાત દરમિયાન, તેમણે ગુજરાતના સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યજમાન તરીકેની સક્ષમતા અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી.

વર્ષ 2030 ની કોમન વેલ્થ ગેમ ગુજરાતમાં યોજાશે!

તેમણે અમદાવાદ કોર્પોરેશનથી લઈને રમતગમત મંત્રાલયના અધિકારીઓ સાથે પણ બેઠકો કરીને જરૂરી માહિતીનું આદાનપ્રદાન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે 13 મી માર્ચે વર્ષ 2030 ની કોમનવેલ્થ ગેમ્સ માટે સત્તાવાર દાવેદારી નોંધાવી છે અને આ દાવેદારીમાં ગુજરાતને યજમાન તરીકે પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. મે 2025માં ભારતીય પ્રતિનિધિ મંડળે પણ કોમનવેલ્થ ગેમ્સના ફેડરેશનની મુલાકાત લીધી હતી, જે આ દિશામાં એક મહત્વનું પગલું હતું. હવે ડ્રમ હોલની આ મુલાકાતનો અહેવાલ ભારતની દાવેદારીને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે અને ગુજરાતના રમત-ગમત ક્ષેત્ર માટે નવા દ્વાર ખોલી શકે છે.


  • Follow us on: