ગુજરાત સરકારે સરકારી વાહન ખરીદી નીતિને સમયની જરૂરિયાત અને સરકારી કામગીરીના બદલાતા સ્વરૂપને અનુરૂપ વધુ વ્યાપક બનાવી છે.વર્ષ 2023માં અમલમાં આવેલી વાહન ખરીદ નીતિમાં મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા કક્ષાના અધિકારીઓ, વિભાગોના વડાઓ અને સરકારી કચેરીઓ માટે અલગ-અલગ કૅટેગરીઓ નક્કી કરવામાં આવી હતી.હવે વર્ષ 2026માં તાજેતરમાં જ કરવામાં આવેલા સુધારા દ્વારા આ માળખાને વધુ આગળ લઈ જઈ ફીલ્ડ ઇન્સ્પેક્શન, એન્ફોર્સમેન્ટ અને ઑફ-રોડ કામગીરી માટે બે નવી કૅટેગરી ઉમેરવામાં આવી છે.

Tata Tigor EVનો સમાવેશ કરવામાં આવ્યો 

સુધારેલી વાહન ખરીદી નીતિની મહત્વની વિશેષતા એ છે કે ઇલેક્ટ્રિક વાહનોને પણ સરકારી વાહન ખરીદીના નવા વિકલ્પોમાં વધુ સ્પષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. કૅટેગરી-Fમાં Mahindra XUV400 EL Pro 39.4 kWh અને Tata Nexon EV Creative 45 જેવા EV મોડલનો સમાવેશ કરાયો છે.એટલે 2023માં કૅટેગરી-D અને કૅટેગરી-Eમાં Tata Tigor EVને સ્થાન આપ્યા બાદ 2026માં EVનો વિકલ્પ ફીલ્ડ ઇન્સ્પેક્શનની નવી કૅટેગરી સુધી વિસ્તર્યો છે.2023ની નીતિમાં પણ કૅટેગરી-D અને Eમાં Tata Tigor EVનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

2023ની નીતિમાં છ કૅટેગરીઓનું માળખું

11 એપ્રિલ 2023ની નીતિ અગાઉની 2019ની નીતિના સ્થાને અમલમાં આવી હતી. જૂના કેટલાક વાહનોનું ઉત્પાદન બંધ થવું અને બજારમાં નવી ટેક્નોલોજી ધરાવતા વાહનો ઉપલબ્ધ થવાને કારણે આ સુધારો કરવામાં આવ્યો હતો. 2023માં કૅટેગરી-Aથી કૅટેગરી-E સુધીની છ મુખ્ય કૅટેગરીઓ દ્વારા પદ અને જવાબદારી પ્રમાણે વાહનો નક્કી કરવામાં આવ્યા હતા.કૅટેગરી-Aમાં મંત્રીઓ અને મુખ્ય સચિવ, A1માં VVIP State Guests, Bમાં વિવિધ બંધારણીય સંસ્થાઓ, બોર્ડ-કોર્પોરેશન વગેરેના વડાઓ, Cમાં કલેક્ટર-DDO-SP સહિત જિલ્લા કક્ષાના અધિકારીઓ, Dમાં ખાતાના વડા અને સમકક્ષ અધિકારીઓ તથા Eમાં સરકારી કચેરીઓ માટે Staff Carની જોગવાઈ હતી.

2026માં ફીલ્ડ ઇન્સ્પેક્શન અને એન્ફોર્સમેન્ટ માટે વાહનોની ખરીદી

2026ના સુધારાની સૌથી મહત્વની નવી જોગવાઈ કૅટેગરી-F – Field Inspection/Enforcement Vehicles છે. આ કૅટેગરીમાં Mahindra Scorpio N Z4 4X4, Mahindra Thar Roxx MX5, Mahindra Bolero Neo N10 (O), Kia Carens Clavis HTE (O), Maruti Suzuki Ertiga ZXI Plus, Toyota Rumion V, Mahindra XUV400 EL Pro 39.4 kWh – E-Vehicle, Tata Nexon EV Creative 45 – E-Vehicleનો સમાવેશ કરાયો છે. નવી ફીલ્ડ કૅટેગરીમાં જ બે ઇલેક્ટ્રિક વાહનોને સ્પષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. એટલે સરકારની વાહન નીતિમાં EVનો ઉપયોગ માત્ર સામાન્ય સરકારી કચેરીના વાહન સુધી મર્યાદિત ન રહી, હવે ફીલ્ડ ઇન્સ્પેક્શન અને એન્ફોર્સમેન્ટ જેવા ઉપયોગોમાં પણ EV વિકલ્પ ઉપલબ્ધ બન્યો છે. 

ઑફ-રોડ ફરજ બજાવતા અધિકારીઓ માટે ખાસ વ્યવસ્થા

2026ની બીજી નવી કૅટેગરી છે કૅટેગરી-F1 – Officers on Off Road Duties. આ કૅટેગરી ખાસ કરીને ગૃહ વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, પંચાયત અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, મહેસૂલ વિભાગ જેવા વિભાગોના ઑફ-રોડ ફરજ બજાવતા અધિકારીઓ માટે લાગુ કરવામાં આવી છે. કૅટેગરી-F1માં કૅટેગરી-Fના તમામ વાહનો ઉપરાંત Tata Yodha Pickup, Isuzu V-Cross 4WD Z, Mahindra Bolero Pick-Up 4WD, Mahindra Bolero Camper Gold RX 4WD જેવા વધુ વિશેષ ઑફ-રોડ વાહનોનો સમાવેશ કરાયો છે. 

EVને પ્રોત્સાહન : 2023થી 2026 સુધીનો સ્પષ્ટ વિસ્તરણ

2023ની નીતિમાં જ EV તરફનો અભિગમ જોવા મળતો હતો. કૅટેગરી-D અને કૅટેગરી-Eમાં Tata Tigor EV XEનો સમાવેશ કરાયો હતો. અમદાવાદ-ગાંધીનગર અથવા 50 કિમીની મર્યાદામાં કામગીરી કરતા ચોક્કસ અધિકારીઓને સમાન કૅટેગરી અને કિંમતનું EV પસંદ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો. 2026માં આ અભિગમને વધુ વિસ્તૃત કરવામાં આવ્યો છે. હવે કૅટેગરી-Fમાં Mahindra XUV400 અને Tata Nexon EV જેવા વધુ નવા EV મોડલનો સમાવેશ થયો છે. 

એક જ નીતિમાં શહેરથી અંતરિયાળ વિસ્તાર સુધીની જરૂરિયાતનો સમાવેશ

2026નો સુધારો માત્ર વાહનોની યાદીમાં વધારો કરતો નથી, પણ તેમાં સરકારી કામગીરીની વાસ્તવિક જરૂરિયાતને ધ્યાનમાં લેવામાં આવી છે. એક તરફ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ માટે અગાઉની કૅટેગરી યથાવત્ રાખવામાં આવી છે, જ્યારે બીજી તરફ ફીલ્ડ ઇન્સ્પેક્શન માટે કૅટેગરી-F અને ઑફ-રોડ કામગીરી માટે કૅટેગરી-F1 ઉમેરવામાં આવી છે. આમ, હવે સરકારી વાહન વ્યવસ્થામાં પદ + કામગીરી + સ્થળની પરિસ્થિતિ; ત્રણેય પાસાઓને ધ્યાનમાં રાખી વાહન પસંદ કરવાની વધુ સુવ્યવસ્થિત વ્યવસ્થા ઊભી થાય છે. નવી કૅટેગરી ઉમેરવામાં આવી હોવા છતાં ખરીદી પ્રક્રિયામાં નાણાકીય શિસ્તને મહત્વ આપવામાં આવ્યું છે. 2023ની નીતિમાં તમામ નિયત વાહનો Government e-Marketplaceપરથી વર્તમાન બજાર કિંમત મુજબ ખરીદવાની જોગવાઈ હતી. 

2023થી 2026 : વાહન નીતિનો વધુ આધુનિક તબક્કો

એકંદરે જોવામાં આવે, તો 2023ની નીતિએ સરકારી વાહન ખરીદી માટે પદ આધારિત સુવ્યવસ્થિત માળખું ઊભું કર્યું હતું, જ્યારે 2026નો સુધારો તેમાં કામગીરી આધારિત જરૂરિયાતોનો ઉમેરો કરે છે. ખાસ કરીને EVને નવી ફીલ્ડ કૅટેગરીમાં સ્થાન આપવું, ફીલ્ડ ઇન્સ્પેક્શન અને એન્ફોર્સમેન્ટ માટે અલગ કૅટેગરી બનાવવી તથા ઑફ-રોડ કામગીરી માટે 4WD અને પિકઅપ વાહનોને મંજૂરી આપવી; આ ત્રણેય પાસાઓ 2026ના સુધારાને વધુ વ્યવહારુ બનાવે છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: રોડ બનાવતા પહેલાં યુટિલિટી લાઇનનો સર્વે કરાશે, ફૂટપાથ અને પાર્કિંગની જગ્યા તપાસાશે