રાજ્યમાં વિકાસ અને બાંધકામના કામો વધુ ઝડપથી આગળ વધે તેમજ વહીવટી પ્રક્રિયામાં થતો બિનજરૂરી વિલંબ નિવારી શકાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રીએ ટેન્ડર મંજૂરીની સમગ્ર પ્રક્રિયા માટે વિવિધ કક્ષાએ સ્પષ્ટ સમયમર્યાદા નક્કી કરી છે.જેના પરિણામે હવે રાજ્યમાં રોડ, બ્રિજ અને સરકારી મકાનો સહિતના પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની મંજૂરી પ્રક્રિયા અત્યંત ત્વરિત અને પારદર્શક બનશે.

બે અલગ-અલગ શ્રેણીમાં સમયમર્યાદા નક્કી કરી 

અગાઉની પ્રવર્તમાન વ્યવસ્થા મુજબ,કોઈપણ વિકાસ કામના ટેન્ડર મંજૂર થવાની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સામાન્ય સંજોગોમાં 120 દિવસ જેટલો લાંબો સમયગાળો ધ્યાને લેવાતો હતો.આ સમયગાળાના કારણે પ્રોજેક્ટ્સ શરૂ થવામાં વિલંબ થતો હતો.આ બાબતને ગંભીરતાથી લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ કાર્યો વેગવંતા બને તે હેતુસર હવે આ સમયમર્યાદામાં મોટો ઘટાડો કર્યો છે અને બે અલગ-અલગ શ્રેણીમાં સમયમર્યાદા નક્કી કરી છે. 

માત્ર ફાયનાન્શિયલ બીડવાળા ટેન્ડરો

જે કામોમાં પૂર્વ પાત્રતાની જોગવાઈ નથી હોતી અને માત્ર ફાયનાન્શિયલ બીડ જ હોય છે.તેવા ટેન્ડરો માટે ક્ષેત્રીય કચેરીથી લઈને સચિવાલય અને નાણા વિભાગ સુધીની સમગ્ર મંજૂર પ્રક્રિયા હવે વધુમાં વધુ માત્ર 51 દિવસમાં જ પૂર્ણ કરવાની રહેશે.જે કામોમાં ઇજારદારોની પૂર્વ પાત્રતાની જોગવાઈ હોય અને ટેક્નિકલ તથા ફાઇનાન્સિયલ એમ બે બીડ મગાવાતી હોય, તેવા કિસ્સાઓમાં તમામ સ્તરે ઝીણવટભરી ચકાસણી સાથેની સમગ્ર પ્રક્રિયા વધુમાં વધુ 66 દિવસમાં જ આટોપી લેવાની રહેશે. આ ઉપરાંત,ટેન્ડરની વેલિડિટીનો પ્રવર્તમાન 120 દિવસનો ગાળો પણ ઘટાડીને હવે સીધો 90 દિવસ કરી દેવામાં આવ્યો છે.

વાટાઘાટો કરવાનું સદંતર ટાળવાનું રહેશે

જો એકથી વધુ ટેન્ડર પ્રાપ્ત થયા હોય તેવા કિસ્સાઓમાં અનિવાર્ય સંજોગો સિવાય વાટાઘાટો કરવાનું સદંતર ટાળવાનું રહેશે.જો વાટાઘાટો કરવી જ પડે તેમ હોય તો તે માત્ર એક જ સ્તરે એટલે કે સક્ષમ સત્તાધિકારી કક્ષાએ જ પૂર્ણ કરવાની રહેશે.કોઈપણ સંજોગોમાં એકથી વધુ સ્તરે વાટાઘાટો કરી શકાશે નહીં. વહીવટી પ્રક્રિયા વધુ જવાબદેહ બને તે માટે કડક સૂચના આપવામાં આવી છે કે જો નિર્ધારિત સમયમર્યાદામાં દરખાસ્તનો નિકાલ નહીં થાય તો સંબંધિત કક્ષાએ વિલંબ થવાના કારણોની યોગ્ય નોંધ લઈને જે તે અધિકારીની વ્યક્તિગત જવાબદારી નક્કી કરવામાં આવશે.જો અધૂરી દરખાસ્તો રજૂ કરવાના કારણે વિલંબ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે-તે દરખાસ્ત રજૂ કરનાર કક્ષાની જ રહેશે તેવું પણ સ્પષ્ટપણે નિયત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃBanaskantha News : આજથી અંબાજીમાં ભાદરવી પૂનમ મહા મેળાનો પ્રારંભ, 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટશે