દિવાળીના પાવન તહેવારો દરમિયાન પોતાના વતન અને પરિવારજનો પાસે જવા માટે મુસાફરોની ભારે ભીડ જોવા મળતી હોય છે. આ વરવી વાસ્તવિકતા અને મુસાફરોની હાલાકીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતેથી રાજ્યભરમાં કુલ 101 નવીન એસટી બસોનો કાફલામાં વિશેષ સમાવેશ કરવામાં આવ્યો છે. તહેવારોની આ સિઝનમાં વધારાની બસો ઉપલબ્ધ થવાથી મુસાફરોને વતન જવા માટે મોટી રાહત મળશે અને એસટી નિગમની સેવાઓ વધુ સઘન બનશે.
અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે બસો
આ નવીન બસોના લોકાર્પણ અને શુભારંભ માટે ગાંધીનગર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતાના હસ્તે આ તમામ 101 નવી બસોને લીલી ઝંડી આપીને (ફ્લેગ ઓફ) રાજ્યભરની જનતા માટે ખુલ્લી મૂકશે. આ નવી એસટી બસો અત્યાધુનિક સુવિધાઓ, આરામદાયક સીટીંગ અને મુસાફરોની સુરક્ષાના તમામ ધોરણો સાથે સજ્જ છે, જેથી લાંબા રૂટની મુસાફરી કરતા નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને તેઓ સુરક્ષિત રીતે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે.
