સાઇબર અપરાધીઓ સામે સમયસર પરિણામલક્ષી પગલાં ભરી નાગરિકોને ડિજિટલ ફ્રોડથી સંપૂર્ણ રક્ષણ આપી શકાય તે હેતુથી ગુજરાત સરકારે મહત્વનું પગલું ભર્યું છે.આ સંદર્ભે ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વિવિધ અગ્રણી બેંકોના વડાઓ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં નાગરિકોને થતું નાણાકીય નુકસાન અટકાવવા માટે પોલીસ અને તમામ બેંકો વચ્ચેનું પરસ્પર સંકલન વધુ મજબૂત અને ઝડપી બનાવવા ચર્ચા કરવામાં આવી હતી.

ઇનિશિયેટિવ લેનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય

બેઠકનો મુખ્ય હેતુ સાઇબર ફ્રોડનો ભોગ બનતાં નાગરિકોની પરસેવાની કમાણી બચાવવાનો અને પોલીસ તથા બેંકિંગ સિસ્ટમ વચ્ચે સઘન સંકલન સ્થાપિત કરવાનો હતો.આ બેઠકમાં અત્યાર સુધી નોંધાયેલા તમામ સાઇબર ફ્રોડ અને સંબંધિત ડેટાનું એનાલિસિસ કરી ભવિષ્યના મોડસ ઓપરેન્ડી સામે આગોતરું કવચ તૈયાર કરવા હર્ષ સંઘવીએ સૂચનાઓ આપી હતી.ફ્રોડ થયાના થોડા જ સમયમાં ફરિયાદીના નાણાં જે-તે બેંક એકાઉન્ટમાં તાત્કાલિક ફ્રીઝ કરી ઝડપથી રિકવર કરી શકાય તે માટેની રિયલ-ટાઇમ મિકેનિઝમ તૈયાર કરવા ચર્ચા કરવામાં આવી હતી.આ પ્રકારનું પરિણામલક્ષી ઇનિશિયેટિવ લેનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

નાગરિકોનો ડિજિટલ બેંકિંગ પરનો વિશ્વાસ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી બનેલા સાયબર ફ્રોડના કિસ્સાઓ અને તેના ડેટાનું ઊંડાણપૂર્વક એનાલિસિસ કરી ફ્રોડની પેટર્ન સમજવા અને તેમાંથી નાગરિકોને અગાઉથી કેવી રીતે બચાવી શકાય તે દિશામાં નક્કર કામગીરી થવી જોઈએ.એકાઉન્ટ ફ્રીઝ કરવામાં પોલીસ કે બેંક સ્તર પર થયેલો માત્ર બે મિનિટનો વિલંબ કોઈ પરિવારની આખી જિંદગીની કમાણી કે સામાજિક જીવન બરબાદ કરી શકે છે. આ માત્ર રૂટિન સરકારી પ્રોટોકોલ કે SOP નથી, પરંતુ નાગરિકોનો ડિજિટલ બેંકિંગ પરનો વિશ્વાસ ટકાવી રાખવાનો સંવેદનશીલ પ્રયાસ છે.

સાયબર ફ્રોડ અટકવાની દિશામાં વધુ સારી કામગીરી

તેમણે કહ્યું હતું કે ડિજિટલ એરેસ્ટ અને અન્ય સાયબર ફ્રોડનો સૌથી વધુ ભોગ વૃદ્ધો/સીનિયર સીટીઝન્સ બનતા હોય છે. જ્યારે કોઈ સીનિયર સીટીઝન અસાધારણ રીતે મોટી રકમની FD તોડવા કે ઉપાડવા આવે ત્યારે બેંક સ્ટાફે સંવેદનશીલતા દાખવી નમ્રતાપૂર્વક પ્રશ્નો પૂછી ખરાઈ કરવી. ગૃહ વિભાગ અને સીનિયર પોલીસ અધિકારીઓ દરરોજ સાયબર ફ્રોડના કોલ્સ, શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ અને ફ્રીઝ કરાયેલી રકમનો ડેટા એનાલાઈઝ કરે છે. તેવી જ રીતે બેંકો પાસે રહેલી પોતાની ઇન્ટેલિજન્સ વિંગ પણ પોલીસને રિયલ-ટાઈમ ઇનપુટ્સ આપે તો સાયબર ફ્રોડ અટકવાની દિશામાં વધુ સારી કામગીરી થઈ શકે છે.


આ પણ વાંચોઃ Gujarat News: રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 89 શંકાસ્પદ કેસ નોંધાયા, 12 દર્દીઓના મૃત્યુ