ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓના વિદેશ પ્રવાસ સંદર્ભે એક અત્યંત મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.આ નવા ઠરાવ મુજબ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે અંગત હેતુસર કરવામાં આવતી વિદેશ યાત્રાઓ માટેના નિયમો વધુ સખત બનાવવામાં આવ્યા છે અને તેના માટે નવી તેમજ વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરી દેવામાં આવી છે.

45 દિવસ પહેલાં નિર્ધારિત ફોર્મેટમાં અરજી કરવી ફરજિયાત

નવા નિયમો અનુસાર હવે કોઈપણ સરકારી કર્મચારી કે અધિકારીએ અંગત કામકાજ અર્થે વિદેશ જવું હોય તો તેમણે પ્રવાસના ઓછામાં ઓછા 45 દિવસ પહેલાં નિર્ધારિત ફોર્મેટમાં અરજી કરવી ફરજિયાત રહેશે.વિદેશ પ્રવાસ માટે સામાન્ય વહીવટ વિભાગની પૂર્વ મંજૂરી મેળવવી અનિવાર્ય બનાવવામાં આવી છે.જો કોઈ કર્મચારી યોગ્ય પરવાનગી વગર વિદેશ પ્રવાસ કરશે તો તેમની સામે શિસ્તભંગની કડક કાર્યવાહી કરવામાં આવશે. અરજી પ્રક્રિયા દરમિયાન પારદર્શિતા જળવાઈ રહે તે માટે કર્મચારીઓએ તેમના પ્રવાસનો સ્પષ્ટ હેતુ, થનાર સંભવિત ખર્ચ તેમજ જો પ્રવાસ માટે કોઈ સ્પોન્સરશીપ મળેલ હોય તો તેની તમામ વિગતો સ્પષ્ટપણે રજૂ કરવાની રહેશે. 

અરજીનો મહત્તમ 30 દિવસની અંદર નિકાલ કરવાનો રહેશે

જે અધિકારીઓ કે કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ ચાલતી હોય કે શિસ્તભંગના પગલાં બાકી હોય તેમની વિદેશ પ્રવાસની અરજી અંગે પણ ખાસ નિયમો અને કડક ચકાસણી લાગુ કરવામાં આવશે.આ ઉપરાંત, અરજીઓના ઝડપી નિકાલ અને વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવા માટે પણ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. જે-તે કચેરીએ સુપ્રત કરાયેલી અરજીનો મહત્તમ 30 દિવસની અંદર નિકાલ કરવાનો રહેશે, જેથી કર્મચારીઓને સમયસર સ્પષ્ટતા મળી રહે. સરકારના આ નિર્ણયથી સરકારી સેવાઓમાં શિસ્ત અને જવાબદારી વધુ સુદ્રઢ બનશે. પરવાનગી વગર કે અધૂરી માહિતી આપીને વિદેશ જતા કર્મચારીઓ પર હવે કાનૂની અને વહીવટી લગામ કસાશે. તમામ વિભાગોને આ નવી માર્ગદર્શિકાનો ત્વરિત અને ચુસ્તપણે અમલ કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Mehsana News: વિજાપુરના ફૂદેડામાં ગેરકાયદે ખનીજ ચોરી સામે કાર્યવાહી, 1.20 કરોડની કિંમતના વાહનો જપ્ત