ગુજરાતમાં ચોમાસાનો વધુ એક મજબૂત રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, વાતાવરણમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ જામશે. તારીખ 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી લઈને અતિભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને તંત્ર દ્વારા આગોતરી તકેદારીના ભાગરૂપે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
આગાહી મુજબ, 12 સપ્ટેમ્બરે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, ભાવનગર, બોટાદ, અમરેલી, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદી આગાહી સાથે 'યલો એલર્ટ' આપવામાં આવ્યું છે. ત્યારબાદ, 13 સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યભરમાં સાર્વત્રિક હળવાથી ભારે વરસાદનો વિસ્તારપૂર્વકનો સ્પેલ જોવા મળશે.
