સમગ્ર દેશમાં બુધવારના રોજ શ્રદ્ધા અને આસ્થા સાથે ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ નિમિત્તે ગાંધીનગર ખાતે ભાજપના 'સમરસતા સંકલ્પ અભિયાન' હેઠળ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેક્ટર સ્થિત સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજ મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સંત રવિદાસ મહારાજના વિચારો યાદ કર્યા
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ગુરુ પૂર્ણિમાના મહત્વ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રાચીન સમયથી ગુરુકુળમાં શિક્ષણ મેળવ્યા બાદ ગુરુ દક્ષિણા આપવાની અનોખી પરંપરા રહી છે. આ વર્ષે સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજનો 650મો જન્મ જયંતી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. સનાતન ધર્મમાં તેઓ એક મહાન સંત અને ક્રાંતિકારી સમાજ સુધારક તરીકે અગ્રણી સ્થાન ધરાવે છે.
માણસ પોતાના કર્મોથી શ્રેષ્ઠ બને છે, જન્મથી નહીં
સંત રવિદાસના સમરસતાના વિચારો પર ભાર મુકતા તેમણે ઉમેર્યું હતું કે, સંત રવિદાસ મહારાજ દ્રઢપણે માનતા હતા કે, દરેક મનુષ્ય પોતાના કર્મોથી ઉચ્ચ કે નીચ બને છે, જન્મથી કોઈ નાનું કે મોટું હોતું નથી. સમાજમાં ભેદભાવ અને ભાગલા માણસોએ ઊભા કર્યા છે. જો આપણે આ ભેદભાવ અને ભાગલા દૂર કરી શકીએ તો જ આપણું માનવ જીવન સાચા અર્થમાં સફળ બન્યું ગણાય.

વારાણસીથી કુંભ યાત્રાનું આયોજન અને રથનું ગુજરાતમાં આગમન
જગદીશ વિશ્વકર્માએ માહિતી આપી હતી કે, સંત રવિદાસ મહારાજનો જન્મ વારાણસી ખાતે થયો હતો. બુધવારે વારાણસી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીનની અધ્યક્ષતામાં પણ એક ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ આયોજનમાંથી નીકળનારી 'કુંભ યાત્રા'ના કુંભ દેશના તમામ રાજ્યોમાં પહોંચશે અને તેનું પૂજન કરવામાં આવશે. ગુજરાતમાં પણ આ પવિત્ર રથ અલગ-અલગ વિસ્તારોમાં ભ્રમણ કરશે.
જન જન સુધી સમરસતાનો સંદેશ પહોંચાડવાનો હાકલ
કાર્યક્રમના અંતે તેમણે પાર્ટીના કાર્યકર્તાઓ અને નાગરિકોને હાકલ કરી હતી કે, સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના માનવતા, સમરસતા અને સમાનતાના વિચારોને સમાજના દરેક વર્ગ અને જન-જન સુધી પહોંચાડવા માટે આપણે સહુએ મળીને સક્રિય પ્રયાસો કરવા પડશે.
આ પણ વાંચો - Guru Purnimaએ તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને વિશેષ ટાસ્ક: નેતાઓ સંતો-મહંતોના કરશે પૂજન, મુખ્યમંત્રી ત્રિ-મંદિરે કરશે દર્શન