ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે મોડી રાત્રે વિદેશ પ્રવાસે જવા રવાના થશે. આગામી સમયમાં યોજાનાર 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ'ના પ્રચાર-પ્રસાર અને રોકાણકારોને આકર્ષવા માટે તેઓ જાપાનના પ્રવાસે જઈ રહ્યા છે. આ પ્રવાસ રાજ્યમાં નવા મૂડીરોકાણ અને ઔદ્યોગિક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
જાપાન સાથેનો ઐતિહાસિક સંબંધ અને પાર્ટનરશિપ
તમને જણાવી દઈએ કે, જાપાન શરૂઆતથી જ 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ'માં મુખ્ય પાર્ટનર દેશ તરીકે જોડાયેલું છે. ગુજરાત અને જાપાન વચ્ચેના આર્થિક તથા વેપારી સંબંધો ખૂબ જ મજબૂત રહ્યા છે. હર્ષ સંઘવીનો આ પ્રવાસ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવશે અને જાપાની કંપનીઓને ગુજરાતમાં વધુ રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરશે.
