રાજકોટમાં તાજેતરમાં બનેલી ચકચારી લૂંટ અને હત્યાની ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચની ટીમને જાહેરમાં બિરદાવી હતી. પોલીસે ઘટના બન્યાના 24 કલાકની અંદર જ તમામ આરોપીઓને ઝડપી પાડવાનો જે સંકલ્પ લીધો હતો, તેને સફળતાપૂર્વક પૂર્ણ કરી બતાવ્યો છે.
"એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે એટલે અભિનંદન નહીં આપું"
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે અત્યંત સંવેદનશીલ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, હું પોલીસ ટીમને અભિનંદન નથી આપતો, કારણ કે આ દુઃખદ ઘટનામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમણે મૃતકના પરિવાર પ્રત્યે હમદર્દી વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, હું રાજ્યના ગૃહમંત્રી તરીકે નહીં, પરંતુ ગુજરાતના એક સામાન્ય નાગરિક તરીકે રાજકોટ પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચના જવાનોનો હૃદયપૂર્વક આભાર માનું છું.
ઉદયપુર, મોરબી અને સિરોહીથી ઝડપાયા આરોપીઓ
પોલીસ ટીમે આ કેસમાં 3 અલગ-અલગ રાજ્યો અને જિલ્લાઓમાંથી આરોપીઓને દબોચી લીધા છે. પોલીસે દિવસ-રાત એક કરીને આરોપીઓનો પીછો કર્યો હતો અને તેમને રાજસ્થાનના ઉદેપુર અને સિરોહી તથા ગુજરાતના મોરબી ખાતેથી ઝડપી પાડ્યા હતા. પોલીસે માત્ર આરોપીઓને જ નથી પકડ્યા, પરંતુ ચોરી અને લૂંટમાં ગયેલો સંપૂર્ણ મુદ્દામાલ પણ પરત મેળવવામાં સફળતા મેળવી છે.

તહેવારો વચ્ચે પણ જવાનોએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી
નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન નાગરિકો શાંતિથી ગરબા રમી શકે તે માટે પોલીસે રાત-દિવસ બંદોબસ્ત જાળવ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ નોંધ્યું હતું કે, આ કપરી પરિસ્થિતિમાં પણ રાજકોટ પોલીસે પ્રજાના ગરબા રમવામાં કોઈ પણ પ્રકારની અડચણ આવવા દીધી ન હતી અને બીજી તરફ ગુનેગારોને પકડવા માટે પણ દિવસ-રાત એક કરી દીધા હતા.
https://x.com/sandeshnews/status/2110761600831631786?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2110761600831631786%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
રાજકોટમાં ગુનેગારો માટે સ્પષ્ટ ચેતવણી
આ ઘટના બાદ ગૃહમંત્રીએ કડક શબ્દોમાં સંદેશ આપ્યો હતો કે, રાજકોટમાં હવે કોઈ પણ ગુનેગાર હત્યા તો દૂર, ચોરી કરતા પહેલા પણ 100 વખત વિચારશે. આ ઘટનામાં પોલીસે દર્શાવેલી ત્વરિત કામગીરીથી અસામાજિક તત્વોમાં ભયનો માહોલ ઊભો થયો છે અને કાયદો-વ્યવસ્થા પ્રત્યે પ્રજાનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે.
આ પણ વાંચો: Rajkot News:સોની વેપારીની હત્યાના કેસમાં થયો મોટો ખુલાસો, જાણો કોણે ઘટનાને અંજામ આપ્યો હતો