આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગ‌ઈકાલ મોડી રાત્રે અચાનક ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને ડેન્ગ્યુની સારવાર લઈ રહેલા જવાનોના સ્વાસ્થ્ય અંગે તાકીદની સમીક્ષા કરી હતી.મંત્રીએ હોસ્પિટલમાં દાખલ જવાનોના ખબર-અંતર પૂછી તેમનું મનોબળ વધાર્યું હતું.આ સાથે જ તેમણે સિવિલ હોસ્પિટલના તબીબો અને સુપ્રિન્ટેન્ડેન્ટ સાથે બેઠક યોજી જવાનોને આપવામાં આવી રહેલી સારવારની વિગતવાર માહિતી મેળવી હતી.કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત પરેડ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દેશના વિવિધ રાજ્યોમાંથી ગુજરાત આવેલા સુરક્ષા દળોના જવાનોની આરોગ્ય વિષયક સ્થિતિ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વિગતો આપી હતી.

કોઈ પણ જવાનની સ્થિતિ ગંભીર નથી

મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યુ હતું કે,ઓરિસ્સા, ઝારખંડ, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢથી આવેલા BSF, CRPF તથા ITBPના આશરે 87 જવાનોને તાવ અને અન્ય શારીરિક અસ્વસ્થતાની ફરિયાદ બાદ તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.તબીબોની સઘન સારવાર અને યોગ્ય સંભાળને કારણે જવાનોની તબિયતમાં ઝડપી સુધારો નોંધાયો છે.છેલ્લા 10 દિવસ મા કુલ 87 દાખલ થયેલ જેમાંથી 50 જવાનો પૂર્ણપણે સાજા થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.જ્યારે બાકીના 37 જવાનો હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.મંત્રીએ ઉમેર્યું હતું કે,હાલ તમામ 37 જવાનોનું સ્વાસ્થ્ય સ્થિર અને સુધારા પર છે તથા કોઈ પણ જવાનની સ્થિતિ ગંભીર નથી.

આ જવાનો સરહદ પર દેશની રક્ષા કરે છે

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ કર્યું હતું કે,આ જવાનો સરહદ પર દેશની રક્ષા કરે છે,તેથી તેમની આ મુશ્કેલ સમયમાં યોગ્ય રક્ષા અને સંભાળ કરવાની નૈતિક જવાબદારી આપ સૌ ડોક્ટરોની છે.સારવારમાં કોઈ ખામી ન રહી જાય તે માટે મંત્રીએ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. મીતા પરીખ અને તબીબોની ટીમને ખાસ દિશા નિર્દેશ આપ્યા હતા.વધુમાં ડેન્ગ્યુની સારવાર દરમિયાન કોઈ પણ જવાનને પ્લેટલેટ્સની તાકીદે જરૂર પડે તો તે માટે રક્ત અને પ્લેટલેટ્સના પૂરતા સ્ટોકની સમીક્ષા આરોગ્ય મંત્રીએ કરી હતી તેમજ વહેલી તકે ત્વરિત સારવાર પૂરી પાડવા આદેશ આપ્યો હતો.સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલા જવાનો માટે હોસ્પિટલના નિષ્ણાંત રેસિડેન્ટ ડોક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવી છે જેમના દ્વારા તમામ જવાનોને તાત્કાલિક ધોરણે ત્વરિત અને યોગ્ય સારવાર પૂરી પાડવામાં આવી રહી છે તેમ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Junagadh News: વરસાદી સિઝન પૂર્ણ થતાં આજથી રાજ્યના અભયારણ્ય ખૂલશે, સિંહ દર્શનનો પ્રારંભ