ગુજરાત વિધાનસભામાં વંદે માતરમ ગાન વેળાએ નીચે બેસી જનારા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સામે વિશેષાધિકાર ભંગ સબબ કાર્યવાહી થશે.ગુરૂવારે શૂન્યકાળમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ચોમાસુ સત્રારંભે જમાલપુર-ખાડિયાના ધારાસભ્યે કરેલી હરકતને ગંભીર ગણાવીને વિશેષાધિકાર ભંગની કાર્યવાહીનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સ્વીકાર્યો છે.જેના આધારે શુક્રવારે ખેડાવાલા સામે એક્શન લેવાનો નિર્ણય થઈ શકે તેમ છે.બીજી તરફ કોંગ્રેસે પોતાના પક્ષના ધારાસભ્યની હરકતથી કિનારો કર્યો છે!
શાસક પક્ષે રજૂ કરેલા વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવનો સ્વીકાર
વંદે માતરમ એ રાષ્ટ્રગીત છે.રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ કાયદા હેઠળ તેનું અવમાન કરનાર સામે ત્રણ વર્ષની કેદની સજા કે દંડ અથવા તો બંને થઈ શકે છે. ભારત સરકારે 30 જુલાઈએ કાયદામાં આ જોગવાઈ કર્યા બાદ દેશના ઈતિહાસમાં પહેલીવાર વિધાનસભામાં ચૂંટાયેલા જનપ્રતિનિધિએ રાષ્ટ્રગીતનું સન્માન જાળવ્યું નથી!જેના કારણે દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.આથી વિધાનસભામાં શાસક પક્ષે રજૂ કરેલા વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ પર પોણા કલાકની ચર્ચા બાદ અધ્યક્ષે તેનો સ્વીકાર કર્યો છે.હવે અધ્યક્ષ નક્કી ઈમરાન ખેડાવાલા સામે ધારાસભ્યપદેથી બરતરફીનો નિર્ણય થાય છે કે પછી લેખિતમાં માફી અથવા તો સમગ્ર મામલો વિશેષાધિકાર ભંગ સમિતિને સોંપી હાલ પૂરતું તેના પર પડદો પાડી દેવાય છે તે જોવું રહ્યું.
વંદે માતરમ્ ગાન વેળાએ ઊભા થઈને બેસી ગયા
બુધવારે સત્રારંભે વંદે માતરમ્ ગાન વેળાએ ઊભા થઈને બેસી ગયેલા MLA ઈમરાન ખેડાવાલા ગુરૂવારે વિધાનસભામાં ડોકાયા નહોતા.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોઇન્ટ ઓફ ઓર્ડરથી વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ રજૂ કરતાં કહ્યું કે,અહીં લોકશાહીના મંદિરમાં જ અપમાન થાય તો નવી પેઢીને શું સંદેશ જશે ?કોંગ્રેસના ધારાસભ્યે જાણી જોઈને આ કૃત્ય કર્યું છે.કોંગ્રેસે આ પહેલેથી જ નક્કી કર્યું હતું.ખેડાવાલા તો માત્ર મહોરું છે હમણાં 15 મી ઓગસ્ટે દિલ્હીમાં સોનિયા ગાંધીએ વંદે માતરમનું અપમાન કરાયું હતું.અધ્યક્ષે ગૃહના વીડિયો ફૂટેજ, ખેડાવાલાની હરકત અને ગૃહની બહાર કરેલા નિવેદનોને આધારે કઠોરમાં કઠોર તેમજ ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે તેવો દાખલો બેસાડતો નિર્ણય કરવો જોઈએ તેવી અમે માંગણી કરીએ છીએ.
કોંગ્રેસે ખેડાવાલાના કૃત્યથી અંતર જાળવ્યું
કોંગ્રેસે ખેડાવાલાના કૃત્યથી અંતર જાળવ્યું છે.કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે કહ્યું કે, ઈમરાનભાઈની ભૂલને સમગ્ર કોંગ્રેસ પક્ષનો નિર્ણય ન ગણી શકાય.દેશનું સન્માન કરવું એ અમારા ડીએનએમાં છે.આ ભૂલને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ. પરમાર પહેલાં અધ્યક્ષ સમક્ષ પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ અંતિમ નિર્ણય લેતાં પહેલાં ખેડાવાલાનો પક્ષ સાંભળવા વિનંતી કરી છે.સાથે જ માર્ચમાં બજેટ સત્ર દરમિયાન વંદે માતરમનું સન્માન કરનાર ખેડાવાલાથી ચાલુ ચોમાસું સત્રમાં ભૂલ થઈ હોવાથી તેમને માત્ર ઠપકો આપીને માફ કરવા રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Ahmedabad News: માણેક ચોકનો 41 કરોડના ખર્ચે કાયાકલ્પ થશે, શનિવારથી રિસ્ટોરેશન શરૂ કરાશે