ગુજરાતમાં જળ જીવન મિશન યોજનાના અમલીકરણને લઈને કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલનો અત્યંત ગંભીર ઓડિટ રિપોર્ટ સામે આવ્યો છે.કેગના આ રિપોર્ટમાં વર્ષ 2019થી 2024 દરમિયાન સરકારી નાણાકીય વ્યવસ્થાપન, યોજનાકીય દેખરેખ અને કામગીરીમાં ગંભીર ખામીઓ અને બેદરકારીઓ ઉજાગર થઈ છે.જેના કારણે સરકારી તિજોરીને મોટો ફટકો પડ્યો છે.

કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાની લ્હાણી કરાઈ

કેગના રિપોર્ટ અનુસાર, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને ગુજરાત વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ (GWSSB) દ્વારા કોન્ટ્રાક્ટરોને નિયમો વિરુદ્ધ જઈને ભારે નાણાકીય લાભ કરાવી આપવામાં આવ્યા છે.અયોગ્ય હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) અને જીએસટી (GST) દર લાગુ કરવાના કારણે કોન્ટ્રાક્ટરોને કુલ 72.97 કરોડ રૂપિયાની વધુ ચૂકવણી કરવામાં આવી છે.જેમાં માત્ર ખોટા WPIના ઉપયોગથી 54.32 કરોડ રૂપિયા અને અયોગ્ય GST દરના કારણે 18.65 કરોડ રૂપિયાની વધારાની રકમ ચૂકવાઈ છે.આ ઉપરાંત, MS પાઇપના ભાવમાં ફેરફારના કારણે 38.92 કરોડ રૂપિયા અને DI પાઇપ માટે અયોગ્ય બેઝ WPI ઇન્ડેક્સના ઉપયોગથી 14.07 કરોડ રૂપિયાની વધારાની ચૂકવણી થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

નાણાકીય વ્યવસ્થાપન અને દેખરેખનો અભાવ

ઓડિટ અહેવાલ મુજબ વર્ષ 2019થી 2024 દરમિયાન યોજના માટે 19,471.61 કરોડ રૂપિયાનું ભંડોળ પ્રાપ્ત થયું હતું અને 19,128.18 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.જો કે,રાજ્યનો હિસ્સો ફાળવવામાં વિલંબ થવાને કારણે આ મહત્વપૂર્ણ યોજના 3,179.31 કરોડ રૂપિયાના ભંડોળથી વંચિત રહી હતી.આ ઉપરાંત, WASMOને 3306 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ એડવાન્સ આપવામાં આવી હતી.જ્યારે નિયમો વિરુદ્ધ સ્ટાફ ક્વાર્ટર્સ અને ઓફિસ બિલ્ડિંગ પાછળ 28.79 કરોડ રૂપિયાનો અસ્વીકાર્ય ખર્ચ કરાયો હતો.

કામગીરીમાં વિલંબ અને પાણી વિતરણની ખામીઓ

યોજનાની દેખરેખ માટે જવાબદાર સ્ટેટ વોટર એન્ડ સેનિટેશન મિશન (SWSM)ની એપેક્સ કમિટી અને એક્ઝિક્યુટિવ કમિટીની વર્ષ 2020થી 2024 દરમિયાન એક પણ બેઠક યોજાઈ ન હતી.જિલ્લા સ્તરે પણ જરૂરી બેઠકોના લક્ષ્યાંક સામે માત્ર નહિવત બેઠકો જ મળી હતી.નમૂના તપાસ કરાયેલા જિલ્લાઓમાં માત્ર 44.26 ટકા ગામોએ જ વિલેજ એક્શન પ્લાન તૈયાર કર્યા હતા અને બેઝલાઇન સર્વેના રેકોર્ડ ઉપલબ્ધ ન હોવાને કારણે કેગ દ્વારા તેની ચકાસણી થઈ શકી ન હતી.યોજનાના અમલીકરણમાં પણ ભારે વિલંબ જોવા મળ્યો છે. 

5 યોજનાઓ 8 થી 25 મહિના મોડેથી પૂર્ણ થઈ

GWILની 11 જૂથ પાઇપલાઇન યોજનાઓમાંથી 5 યોજનાઓ 8 થી 25 મહિના મોડેથી પૂર્ણ થઈ હતી. ઉમરેઠ,ભરૂચ અને પાટણમાં કામગીરી પૂર્ણ થયા છતાં સંપથી ESR સુધીનું જોડાણ ન થવાને કારણે પાણી પુરવઠા યોજનાઓ કાર્યરત થઈ શકી ન હતી.ચકાસણી કરાયેલા ચાર જિલ્લાઓમાં નવેમ્બર 2024 સુધી હજારો ઘરોને કાર્યરત ઘરેલુ નળ જોડાણ મળ્યા ન હતા તેમજ 55 લીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસના ધોરણ અંગે પણ ગંભીર ખામીઓ મળી આવી હતી.રાજ્યની પ્રયોગશાળાઓમાં ટેકનિકલ જગ્યાઓ ખાલી હોવા અને નિયમિત પાણી પરીક્ષણ ન થવાને કારણે પાણીની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠ્યા છે.ચોમાસા પહેલાં અને પછી કરાયેલા પરીક્ષણોમાં અંદાજે 24થી 26 ટકા પાણીના નમૂના અયોગ્ય પૂરવાર થયા હતા.બીજી તરફ ગ્રામ પંચાયતોમાં પાણી વેરાની નબળી વસૂલાતના કારણે બાકી રકમ 70.05 ટકા વધીને 236.55 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. 


આ પણ વાંચોઃ Sandesh Digital Explainer : દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મહેરબાન, જાણો રાજ્યના કયા તાલુકા હજી કોરા ધાકોર છે?