આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભમાં જાપાનના પ્રવાસે ગયેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ગુજરાત પ્રતિનિધિમંડળે આજે ટોક્યોમાં જાપાનના સરકારી અગ્રણીઓ અને અગ્રણી ઉદ્યોગગૃહો સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી.આ સંવાદોનો ઉદ્દેશ ગુજરાતમાં નવા રોકાણ, ટેક્નોલોજી સહયોગ અને ઔદ્યોગિક વિસ્તરણની તકોને પ્રોત્સાહન આપવાનો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રતિનિધિમંડળે જાપાનના વિદેશ મંત્રાલય ખાતે વિદેશ રાજ્ય મંત્રી નાકાસોને યાસુતાકા સાથે બેઠક યોજી હતી.બંને પક્ષોએ ભારત–જાપાન અને ખાસ કરીને ગુજરાત–જાપાન વચ્ચેના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવવા તથા વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા અંગે વિચારવિમર્શ કર્યો હતો.
ભવિત પ્રોજેક્ટ્સ અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો
ઇવાતે પ્રીફેક્ચરના ગવર્નર તાકુયા તાસો સાથેની બેઠકમાં પ્રાદેશિક વિકાસ,ઔદ્યોગિક નીતિઓ અને પરસ્પર ક્ષમતા નિર્માણ ક્ષેત્રે સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી.જાપાનના અર્થતંત્ર,વ્યાપાર અને ઉદ્યોગ મંત્રાલય METIના ડાયરેક્ટર જનરલ તનાકા કાઝુશિગે સાથે દ્વિપક્ષીય વેપાર વધારવા, રોકાણને પ્રોત્સાહન આપવા અને નીતિગત સહયોગ મજબૂત કરવા અંગે ચર્ચા થઈ હતી. નાયબ મુખ્યમંત્રીએ સુઝુકી મોટર કોર્પોરેશનના રિપ્રેઝન્ટેટિવ ડિરેક્ટર અને પ્રેસિડેન્ટ તોશિહિરો સુઝુકી સાથે બેઠક યોજી હતી.તેમાં ગુજરાતમાં ઓટોમોબાઇલ ક્ષેત્રના વિસ્તરણ,ઇલેક્ટ્રિક વ્હીકલ ઇકોસિસ્ટમ અને વેન્ડર પાર્ક્સના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જાપાનની અગ્રણી ઊર્જા કંપની જેરાના સીઈઓ ઇઝુમી કાઈ સાથે ગુજરાતમાં સ્વચ્છ ઊર્જા, વીજ ઉત્પાદન અને ગ્રીન ટ્રાન્ઝિશન સંબંધિત સંભવિત પ્રોજેક્ટ્સ અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
