ગાંધીનગર જિલ્લાના કલોલ પૂર્વ વિસ્તારમાં આવેલા જય ભવાની અરોહાઉસના બ્લોક નંબર 53 માં એક બંધ મકાનમાં અચાનક આગ લાગવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બપોરના સમયે ઘર બંધ હતું તે દરમિયાન અચાનક ફ્રિજમાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાની સાથે જ ફ્રિજમાં રહેલો ગેસનો બાટલો ધડાકાભેર ફાટ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
કોમ્પ્રેસર ફાટતા મકાનની છતને નુકસાન
આગ એટલી ભયાનક હતી કે, ફ્રિજનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટતાં તેની તીવ્રતાથી મકાનની છતને પણ ગંભીર નુકસાન પહોંચ્યું હતું. વિસ્ફોટનો અવાજ સાંભળીને આસપાસના રહીશોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘરમાં રહેલી તમામ કિંમતી ઘરવખરી, અનાજ અને જરૂરી સામાન આગમાં બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયો હતો. નુકસાનનો આંકડો મોટો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


