ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાંથી ગ્રામજનોની મોટી મુશ્કેલીના સમાચાર સામે આવ્યા છે. કલોલના ઈસંડ ગામનો વર્ષો જૂનો રેલવે ફાટકવાળો મુખ્ય રસ્તો તંત્ર દ્વારા અચાનક બંધ કરી દેવામાં આવ્યો છે. ફાટકની બંને બાજુએ આરસીસીની દીવાલો બનાવી દેવામાં આવતા ગ્રામજનો માટે અવરજવરના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના કારણે લોકોમાં તંત્ર પ્રત્યે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

વિકલ્પમાં બનાવેલ ગરનાળામાં ભરાયા પાણી

તંત્ર દ્વારા ફાટક બંધ કરીને તેની જગ્યાએ ગરનાળુ બનાવી આપવામાં આવ્યું છે, પરંતુ આ ગરનાળાની સ્થિતિ અત્યંત દયનીય છે. ગરનાળામાં મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ રહેતું હોવાના કારણે ત્યાંથી पैदल કે વાહન લઈને પસાર થવું અશક્ય બની ગયું છે. એકમાત્ર રસ્તો બંધ થઈ જવાથી અને ગરનાળામાં પાણી ભરાવાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

Gandhinagar News: Kalol Isand Village Road Closed: Locals Face Severe Issues Due to Waterlogging in Underpass

મેડિકલ ઈમરજન્સી અને આકસ્મિક સંજોગોમાં જીવનનું જોખમ

ગામના મુખ્ય રસ્તાઓ બંધ થવાને કારણે ગ્રામજનોને બહાર જવા માટે અન્ય 2 થી 3 ગામો ફરીને લાંબો આંટો મારીને જવું પડે છે, જેથી તેમનો કિંમતી સમય પણ બરબાદ થઈ રહ્યો છે. આ સૌથી મોટી સમસ્યા ત્યારે સર્જાય છે જ્યારે ગામમાં કોઈ મેડિકલ ઈમરજન્સી ઊભી થાય. ગર્ભવતી મહિલાઓને પ્રસુતિ માટે હોસ્પિટલ લઈ જવી હોય કે પછી આગ જેવી કોઈ આકસ્મિક દુર્ઘટના બને, ત્યારે ગામમાં ફાયર કે એમ્બ્યુલન્સ જેવા મોટા વાહનો પ્રવેશી ન શકે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતો, પશુપાલકો અને વિદ્યાર્થીઓને પણ રોજબરોજ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.


ગ્રામજનોની ઉગ્ર માગ, આરસીસી દીવાલ તોડી જૂનો રસ્તો શરૂ કરો

સ્થાનિક રહીશો દ્વારા આ બાબતે અગાઉ લાગતા વળગતા તંત્રમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ સંતોષકારક પરિણામ આવ્યું નથી. તંત્રની ઉદાસીનતાથી કંટાળીને હવે ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ગ્રામજનોની સ્પષ્ટ માગ છે કે, ફાટક પાસે બનાવવામાં આવેલી આરસીસીની દીવાલ તાત્કાલિક તોડી પાડવામાં આવે અને વર્ષો જૂનો ફાટકવાળો મુખ્ય રસ્તો ફરીથી ખુલ્લો કરવામાં આવે જેથી લોકોની હાલાકી દૂર થઈ શકે.


આ પણ વાંચો - Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલ US-કેનેડા અને DyCM હર્ષ સંઘવી જાપાન-યુરોપના પ્રવાસે જશે