ગુજરાતમાં ગાંધીનગર મનપા સહિતની ચૂંટણીઓ પહેલા જ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિવેદન બાદ સવર્ણ સમાજ રોષે ભરાયો છે અને શંકરસિંહ પોતાના નિવેદન અંગે માફી માગે એવી માગ કરવામાં આવી છે. બીજી તરફ ઠેર ઠેર સવર્ણ સમાજ દ્વારા શંકરસિંહના નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર સમાજે પણ સક્રિય થવા અંગે વાત કરી હતી. હવે ક્ષત્રિય સમાજે પણ સક્રિય થવાનું રણશીંગુ ફૂંક્યું છે.ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાંચ મહત્વના મુખ્ય મુદ્દાઓ સાથે એક વિશાળ ક્ષત્રિય અસ્મિતા સૈનિક સંવાદ યાત્રા યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

શહીદ સૈનિકો અને પાળિયા સાચવવા અભિયાન

ટ્રસ્ટી ક્ષત્રિય સંકલન સમિતિના ટ્રસ્ટી રમજૂભાએ કહ્યું હતું કે, સમાજના આ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં ઝોન વાઇઝ બેઠકોનો દોર શરૂ કરવામાં આવશે અને જૂના આંદોલનના સાથીઓને પણ જોડીને એક નવું વ્યાપક અભિયાન વેગવંતુ બનાવાશે.સંકલન સમિતિ દ્વારા નક્કી કરાયેલી આ યાત્રા અને બેઠકો પાછળના મુખ્ય પાંચ મુદ્દાઓમાં જમીન રી-સર્વેની પ્રક્રિયામાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ, દેશ માટે શહીદ થયેલા સૈનિકોના પરિવારજનોના સન્માન તેમજ ઐતિહાસિક પાળિયાઓની જાળવણીનો સમાવેશ થાય છે. 

વિધવા મહિલાઓ માટે યોગ્ય આર્થિક સહાય

આ ઉપરાંત સમાજની જરૂરિયાતમંદ વિધવા મહિલાઓ માટે યોગ્ય આર્થિક સહાય પૂરી પાડવાની માંગ તથા ચૂંટણી પૂર્વે ક્ષત્રિય સમાજના રાજકીય પ્રતિનિધિત્વ અને સત્તામાં યોગ્ય ભાગીદારી અંગે સક્ષમ સ્તરે ભારપૂર્વક રજૂઆતો કરવામાં આવશે.આગામી દિવસોમાં યોજાનારી આ ઝોન વાઇઝ બેઠકો અને અસ્મિતા યાત્રાના કારણે રાજ્યના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. સરકાર સમક્ષ પ્રજાકીય અને સામાજિક પ્રશ્નોના ઉકેલ માટે દબાણ ઊભું કરવાના આ પ્રયાસોથી તમામ રાજકીય પક્ષો પણ આ સમુદાયના વલણ પર ખાસ નજર રાખીને બેઠા છે.

આ પણ વાંચોઃ Banaskantha News: સમગ્ર જિલ્લાના હજારો ખેડૂતો રસ્તા પર ઉતર્યા, પાલનપુર એરોમા સર્કલ પાસે ચક્કાજામ