ગાંધીનગર મહાપાલિકાના કુડાસણ ખાતે નવી બની રહેલી કોમર્શિયલ બોસકી ધ એમ્પાયર નામની બાંધકામ સાઇટમાં ગત રાત્રે સવા નવ વાગ્યાની આસપાસ મોટી દુર્ઘટના સર્જાઈ હતી.ઘટનામાં લોખંડનો સ્લેબ તૂટી પડતાં તેની નીચે મજૂરો દટાતાં તેમની ચીસોથી સમગ્ર વાતાવરણ હચમચી ઊઠ્યું હતું.કન્સ્ટ્રક્શન સાઇટ પર બે યુનિટ વચ્ચે લોખંડનો સ્લેબ ઊભો કરવામાં આવી રહ્યો હતો તે દરમિયાન આ સ્લેબ અચાનક ધડાકાભેર નીચે ટૂટી પડ્યો હતો.આ સ્લેબ નીચે ત્યાં કામ કરી રહેલા 15 જેટલા શ્રમિકો દટાયા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતાં. હાલમાં તમામની હાલત સ્થિર હોવાની વિગતો પણ સામે આવી છે. 

માસૂમ બાળકોની આંખો પણ ભીની થઈ ગઈ

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલા બોસકી ધ એમ્પાયર કોમર્શિયલ કન્સ્ટ્રક્શન સાઈટ પર સર્જાયેલી સ્લેબ ધરાશાયી થવાની દુર્ઘટના અત્યંત હૃદયદ્રાવક સાબિત થઈ છે.જ્યાં રોટલો કમાવવા માટે જીવના જોખમે રાત્રિના સમયે કામ કરી રહેલા 15 જેટલા મજૂરો અચાનક ધડાકા સાથે સ્લેબનો કાટમાળ નીચે તૂટી પડતાં તેમાં દટાઈ ગયા હતા.આ ભયાનક અકસ્માતમાં શ્રમિકો જમી પણ નહોતા શક્યા અને ઘટનાસ્થળે તેમના ટિફિન, થાળીઓ તેમજ કપડાં વેરવિખેર હાલતમાં મળી આવ્યા હતા. આ દુર્ઘટનાની બીજી તરફ ઘરની બહાર પતરાના શેડ નીચે બેસીને પોતાના પિતાની રાહ જોઈ રહેલા માસૂમ બાળકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

દુર્ઘટના

6 મહિનાના એક નાના બાળકનો આબાદ બચાવ 

રોટલો કમાવા ગયેલા પિતા હજુ સુધી પાછા ફર્યા નહોતા અને કાટમાળ નીચે દટાઈ જવાથી સંતાનોની આ રાહ ક્યારેય પૂરી ન થઈ શકી.આ શ્રમિકોના ઘરે ત્યાં પરિવારની વાટ જોતા બાળકોની દયનીય સ્થિતિ અને આ વરવી વાસ્તવિકતાએ આંખો ભીની કરી દીધી હતી.આ ગંભીર દુર્ઘટનામાં અંદાજે 6 મહિનાના એક નાના બાળકનો આબાદ બચાવ થયો છે. બાળકની માતા ઈજાગ્રસ્ત થવાથી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જોકે રાહતની વાત એ છે કે હાલ માતા અને બાળક બંને સ્વસ્થ હાલતમાં છે.

સ્લેબ તૂટ્યો

કુલ 12 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે 

દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા મજૂરો હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યાં કુલ 12 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને હાલ આ તમામ દર્દીઓની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.આ ગંભીર દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ શકે છે અને ઈજાગ્રસ્તોની સ્વાસ્થ્ય સ્થિતિ તેમજ ચાલી રહેલી સારવાર અંગે જાત-માહિતી મેળવી શકે છે. દુર્ઘટના અંગે ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટેલિફોનિક વાતચીત કરીને સંપૂર્ણ માહિતી મેળવી છે.તેમણે આ ઘટના અંગે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે ટેલિફોન પર ચર્ચા કરી સ્થિતિની સમીક્ષા કરી હતી અને ઈજાગ્રસ્ત થયેલા તમામ શ્રમિકોને યોગ્ય અને સત્વરે તબીબી સારવાર પૂરી પાડવામાં આવી રહી હોવાની વિગતો મેળવી હતી.

આ પણ વાંચોઃ Gandhinagar News: આજે વિધાનસભામાં 4 બિલ રજૂ કરાશે, પ્રશ્નોત્તરી કાળમાં વિપક્ષ સરકારને ઘેરશે