ગાંધીનગર જિલ્લાના નાસ્મેદ ગામની સીમમાં આયોજિત જાણીતા અને હાઈ-પ્રોફાઈલ ‘મંડળી ગરબા મહોત્સવ’ માં આઠમા નોરતે સર્જાયેલી હિંસક બબાલ અને અફરાતફરીના મામલે આખરે કાયદાકીય સકંજો કસાયો છે. ગરબામાં પ્રવેશ દરમિયાન પાસ સ્કેનિંગ કરવાના સામાન્ય મુદ્દે સિક્યોરિટી બાઉન્સરો દ્વારા યુવકો પર કરવામાં આવેલા જીવલેણ હુમલા સંદર્ભે સાંતેજ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બાઉન્સરોએ કાયદો હાથમાં લઈને યુવકો પર ખુલ્લી તલવાર, લાકડાના ધોકા અને લોખંડની સાંકળો વડે ખૂની હુમલો કર્યો હતો. આ હિંસક મારામારીમાં રાંચરડા ગામના મૌલિક ઠાકોર સહિત અનેક યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જે પૈકી બે યુવકોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પાસ સ્કેનિંગના મુદ્દે તકરાર વધી અને બાઉન્સરો હથિયારો સાથે તૂટી પડ્યા
પોલીસ ફરિયાદમાં દર્શાવેલી પ્રાથમિક વિગતો મુજબ નાસ્મેદ ગામની સીમમાં ચાલી રહેલા ‘મંડળી ગરબા’ના મુખ્ય પ્રવેશ દ્વાર પર ખેલૈયાઓ અને યુવકો એન્ટ્રી કરી રહ્યા હતા ત્યારે પાસ સ્કેનિંગની પ્રક્રિયા બાબતે બાઉન્સરો સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી.વાતચીત દરમિયાન ઉશ્કેરાયેલા સિક્યોરિટી ગાર્ડ્સ અને બાઉન્સરોએ ગેરવર્તણૂક શરૂ કરી હતી અને જોતજોતામાં ગેટ પર તૈનાત અન્ય બાઉન્સરો પણ ત્યાં એકઠા થઈ ગયા હતા. કોઈ પણ દયા રાખ્યા વગર બાઉન્સરોએ પોતાની પાસે અગાઉથી સંતાડી રાખેલા હથિયારો લાકડીઓ, લોખંડની જાડી સાંકળો તેમજ તીક્ષ્ણ તલવારો કાઢીને યુવકો પર હુમલો કરી દીધો હતો.
