નવરાત્રિના નવમા નોરતે ગાંધીનગર તાલુકાના પવિત્ર યાત્રાધામ રૂપાલ ગામે આસ્થા, શ્રદ્ધા અને ભક્તિનો અલૌકિક ત્રિવેણી સંગમ સર્જાયો હતો. આસો સુદ નોમના પાવન અવસરે વર્ષો જૂની પૌરાણિક પરંપરા મુજબ જગતજનની મા વરદાયિનીની ઐતિહાસિક પલ્લી નીકળી હતી. મોડી રાત સુધી ચાલેલી શાસ્ત્રોક્ત તૈયારીઓ બાદ વહેલી સવારે ૩.૪૫ કલાકે નિજ મંદિર પરિસરમાંથી પલ્લીનું પ્રસ્થાન થયું હતું. ગામના નિર્ધારિત 27 ચોક (ચકલા) માંથી જ્યારે પલ્લી પસાર થઈ ત્યારે દેશ-વિદેશથી ઉમટેલા લાખો માઈભક્તોએ અંદાજે 5 થી 6 લાખ કિલો શુદ્ધ દેશી ઘીનો અવિરત અભિષેક કર્યો હતો. રૂપાલની શેરીઓમાં ઘીની નદીઓ વહેતી હોય તેવા દિવ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા, જેને જોઈને ઉપસ્થિત લાખો ભક્તો ધન્યતા અનુભવી રહ્યા હતા.

અઢારે આલમની એકતા

રૂપાલની પલ્લી માત્ર ધાર્મિક માનતા પૂરતી સીમિત નથી, પરંતુ સદીઓથી સામાજિક સમરસતા અને સર્વધર્મ સમભાવની જીવંત મિસાલ છે. ગામના તમામ સમાજના લોકો સાથે મળીને રાતભર સેવા આપી આ પલ્લીનું નિર્માણ કરે છે. વાલ્મીકિ સમાજ પલ્લી માટે ખીજડાનું પવિત્ર લાકડું લાવવાની સેવા બજાવે છે.વાળંદ સમાજ વરખડા (વરખ) ના સોટા લાવીને પલ્લીના માળખાને કલાત્મક રીતે શણગારે છે.કુંભાર સમાજ પલ્લી પર સ્થાપિત કરવા માટે માટીના પવિત્ર કુંડા ઘડી આપે છે.પંચાલ સમાજ પલ્લીના જોડાણ માટે જરૂરી લાકડાના ખીલા તૈયાર કરી આપે છે.પિંજારા સમાજ કુંડામાં પ્રગટાવવાની જ્યોત માટે કપાસ પૂરીને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.માળી સમાજ તાજા પુષ્પો અને મનોહર ફૂલહારથી માતાજીના રથને સુશોભિત કરે છે.બ્રાહ્મણ સમાજ વિધિવત મંત્રોચ્ચાર સાથે માતાજીનો નૈવેદ્ય અને પંચામૃત પ્રસાદ તૈયાર કરે છે.ગંગાજળ, ગાયના છાણ અને ગૌમૂત્રથી પવિત્ર કરાયેલા સ્થળે માતાજીની છબી, ગોખ અને પાંચ માટીના કુંડા સ્થાપિત કરીને પલ્લીને દિવ્ય સ્વરૂપ આપવામાં આવે છે.

5000 વર્ષ જૂનો પાંડવકાલીન ઇતિહાસ

આ પાવન ઉત્સવ સાથે મહાભારત કાળનો રોચક ઇતિહાસ વણાયેલો છે.12 વર્ષના વનવાસ અને એક વર્ષના અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો રૂપાલના વન વિસ્તારમાં આવ્યા હતા.અર્જુન સહિત પાંડવોએ પોતાના દિવ્ય શસ્ત્રો અહીંના 'વરખડા'ના વૃક્ષ નીચે છુપાવ્યા હતા અને શસ્ત્રોની રક્ષા માટે મા વરદાયિનીની અખંડ આરાધના કરી હતી.કુરુક્ષેત્રના યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયા બાદ પાંડવો, ભગવાન શ્રીકૃષ્ણ અને દ્રૌપદીએ આસો સુદ નોમના દિવસે માતાજીની સોનાની પલ્લી બનાવી, પાંચ કુંડ સ્થાપી ગામમાં પલ્લીયાત્રા કાઢી પંચબલી યજ્ઞ કર્યો હતો. તે સમયથી આજ દિન સુધી આ પરંપરા શ્રદ્ધાપૂર્વક અવિરત ચાલી આવે છે.

27 ચોકમાં પરિભ્રમણ, 5 થી 6 લાખ કિલો ઘીનો મહાઅભિષેક

પલ્લી યાત્રા દરમિયાન ભક્તિનો અભૂતપૂર્વ જુવાળ જોવા મળ્યો.શ્રદ્ધાળુઓએ માનતા પૂર્ણ કરવા માટે અગાઉથી જ ટ્રેક્ટર-ટ્રોલી, પીપડા અને સ્ટીલના મોટા વાસણોમાં લાખો લિટર શુદ્ધ ઘીનો સંગ્રહ કરી રાખ્યો હતો.ગામમાં મહિલાઓ માથે ઘડુલિયા લઈને ગરબે ઘૂમી હતી, જ્યારે યુવાનો જયઘોષ સાથે પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ ગયા હતા.ખાસ કરીને નવજાત શિશુના જન્મ બાદ માતાજીના દર્શન કરાવી ઘી ચઢાવવાની અહીં વર્ષો જૂની માનતા હોવાથી હજારો પરિવારો બાળકો સાથે પહોંચ્યા હતા.રસ્તાઓ પર ઘીની નદીઓ વહી નીકળવા છતાં એક પણ શ્રદ્ધાળુ લપસી પડતો નથી કે કોઈ દુર્ગંધ આવતી નથી, જેને ભક્તો માતાજીનો સાક્ષાત ચમત્કાર ગણાવે છે.

પલ્લી સંપન્ન થયા બાદ લોકોએ ઘી એકત્ર કર્યું

પલ્લી નિર્ધારિત 27 ચોકમાંથી પસાર થઈને નિજ મંદિરે પરત ફર્યા બાદ પણ અનોખા દ્રશ્યો સર્જાયા. પલ્લી માર્ગો પર વહી ગયેલું પવિત્ર ઘી એકત્ર કરવા માટે સ્થાનિક લોકો અને ભક્તો વાસણો લઈને ઉમટી પડ્યા હતા.શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે, આ સાક્ષાત મા વરદાયિનીનો પ્રસાદ છે. આ ઘીને ઘરે લઈ જઈને ગરમ કરી, કપડાથી ગાળીને શુદ્ધ કરવામાં આવશે અને આખું વર્ષ ઘરમાં પવિત્ર પ્રસાદી તેમજ દીવા-બત્તી કે ઔષધ તરીકે ઉપયોગમાં લેવાશે.

આ પણ વાંચો: October 20 2026: ગૃહમંત્રી અમિત શાહ કાલે પંજાબના પ્રવાસે, દિલ્હીમાં કોકરોચનું દહન કરાશે, કાલે વિમાનોના પૈડાં થંભી જશે