ગાંધીનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની નિમણૂકને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે 3 નવેમ્બરે યોજાનારી ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં નવા પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામો જાહેર થશે. આગામી સત્ર માટે મેયર પદ ઓબીસી પુરુષ અનામત હોવાથી ઠાકોર, નાયી, ચૌધરી કે દેસાઈ સમાજના ઉમેદવારને સ્થાન મળી શકે છે. જેમાં વિધાનસભા ચૂંટણીના સમીકરણો ધ્યાને રાખતાં ઠાકોર સમાજના મેયર બનવાની શક્યતા વધુ સેવાઈ રહી છે.
આવતીકાલે સામાન્ય સભામાં જાહેર થશે નામોની જાહેરાત
આ ઉપરાંત, ડેપ્યુટી મેયર પદે બ્રાહ્મણ મહિલા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પાટીદાર સમાજના ચહેરા પર પસંદગીનો કળશ ઢોળાય તેવી પ્રબળ સંભાવના છે. આવતીકાલે 3 નવેમ્બરે યોજાનારી મનપાની સામાન્ય સભામાં મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી સહિત સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સેક્ટર 17 સ્થિત મહાનગરપાલિકાની કચેરીના સભાખંડમાં આવતીકાલે મંગળવારે બપોરે 12 વાગ્યે સામાન્ય સભા મળશે. સભાની શરૂઆત મેયરની ચૂંટણીની પ્રક્રિયાથી થશે. ત્યારબાદ ડેપ્યુટી મેયરની પસંદગી કરવામાં આવશે.
