ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પરિવારમાંથી એક અત્યંત ચિંતાજનક અને ગંભીર સમાચાર સામે આવ્યા છે. ચૈતર વસાવાના ભાઈ શાંતિલાલ વસાવાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કરતાં તેમને અત્યંત નાજુક અને ગંભીર હાલતમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં શાંતિલાલ વસાવા જિંદગી અને મોત વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. ભાઈની આ ગંભીર અને ચિંતાજનક સ્થિતિને ધ્યાને રાખીને ધારાસભ્ય ચૈતર વસાવાએ તાત્કાલિક જામીન માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. દેશની સર્વોચ્ચ અદાલતે માનવીય અભિગમ દાખવી ચૈતર વસાવાને 3 દિવસના વચગાળાના જામીન મંજૂર કરતાં તેઓ સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે.

ચૈતર વસાવાને 3 દિવસના વચગાળાના જામીન

ધારાસભ્ય ચૈતર વસાવાના ભાઈ શાંતિલાલ વસાવાએ અચાનક ઝેરી દવા પી લેતાં પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક સ્તરે પ્રાથમિક સારવાર બાદ તબિયત વધુ લથડતાં તેમને તાબડતોબ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તેમની સઘન સારવાર કરવામાં આવી રહી છે.ભાઈની તબિયત અત્યંત નાજુક હોવાથી તેમની પડખે ઊભા રહેવા માટે ચૈતર વસાવાએ જામીન અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે પરિસ્થિતિની ગંભીરતા સમજીને તેમને ૩ દિવસ માટે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

ચૈતર વસાવા સુરત સિવિલ પહોંચ્યા

સુપ્રીમ કોર્ટમાંથી મંજૂરી મળતાં જ ધારાસભ્ય ચૈતર વસાવા સુરત નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ભાઈ શાંતિલાલની તબિયત અંગે તબીબો સાથે સીધી વાતચીત કરી હતી.હોસ્પિટલ સંકુલમાં ચૈતર વસાવાની મુલાકાતને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.શાંતિલાલ વસાવાએ કયા કારણોસર આટલું આત્યંતિક પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર કારણ સામે આવ્યું નથી, પરંતુ પરિવારજનો અને સમર્થકોમાં ભારે ચિંતા અને ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.

આ પણ વાંચો: Gandhinagar: ફિક્સ પે રદ કરવાની માગ સાથે આંદોલનના મૂડમાં કર્મચારીઓ, સચિવાલય બહાર લોખંડી પોલીસ પહેરો