ગુજરાતના કૃષિ અને પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ દિવાળીના પાવન પર્વ બાદ નૂતન વર્ષના મંગલ પ્રારંભ સાથે જ પોતાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને બાલા હનુમાન ગૌશાળા પોરબંદર ખાતેથી વિશ્વપ્રસિદ્ધ દેશી ઓલાદની બે ગીર ગાય અને બે વાછરડી લાવીને પોતાનો ગૌ-પ્રેમ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંત્રીના નિવાસસ્થાને જઈને આ ગીર ગાયોનું શાસ્ત્રોક્ત વિધિથી ગૌ-પૂજન કર્યું હતું અને ગાયોને નિરાણ અર્પણ કરી મંત્રીની આ ભાવનાને બિરદાવી હતી.
કિચન ગાર્ડનની પ્રત્યક્ષ મુલાકાત લીધી
કૃષિ મંત્રીએ પોતાના નિવાસસ્થાને સંપૂર્ણપણે ગૌ-આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી એક કિચન ગાર્ડન વિકસાવ્યું છે.જેમાં ટામેટાં, દૂધી જેવા તાજા શાકભાજી અને પપૈયા જેવા ફળોનું સફળ વાવેતર કરવામાં આવ્યું છે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આ કિચન ગાર્ડનની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.ગાયના ગોબર અને ગૌમૂત્ર આધારિત જીવામૃતના ઉપયોગથી વિકસાવેલા આ બગીચાને જોઈને રાજ્યપાલ આકર્ષિત થયા હતા અને તેને વધુ સમૃદ્ધ બનાવવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા.
