ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) ની આગામી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પૂર્ણ તાકાત સાથે ચૂંટણી રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત ભાજપના પ્રભારી તરુણ ચુગ આજથી ચાર દિવસના મહત્વપૂર્ણ ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. પ્રવાસના પ્રથમ દિવસે જ તેમણે પાટનગર ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપની વર્તમાન સ્થિતિ, પેજ કમિટીઓના નેટવર્ક અને ચૂંટણી વ્યવસ્થાપનની સમીક્ષા કરવા માટે બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

કુડાસણ અને FIA ખાતે બંધબારણે મેરેથોન બેઠકો

ચૂંટણી જંગ જીતવા માટે ભાજપ દ્વારા વોર્ડવાર માઈક્રો પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે. કુડાસણ ખાતે આવેલી ખાનગી હોટલમાં વોર્ડ નંબર 1 થી 6 ના સંગઠન પદાધિકારીઓ, કાઉન્સિલરો અને મુખ્ય આગેવાનો સાથેની પ્રથમ તબક્કાની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. પ્રભારી તરુણ ચુગની અધ્યક્ષતામાં વોર્ડ નંબર 7 થી 11 ના અગ્રણીઓ સાથે અલગથી રણનીતિ બેઠક શરૂ થઈ છે.આ ઉપરાંત ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (FIA) ભવન ખાતે 11 વોર્ડના તમામ સંગઠન પદાધિકારીઓ સાથે બંધબારણે સંયુક્ત બેઠક યોજી જમીની વાસ્તવિકતા અને મતદારોના મિજાજનું આકલન કરવામાં આવી રહ્યું છે.

‘કમલમ’ ખાતે ચૂંટણી વ્યવસ્થા ટીમ સાથે બેઠક

પ્રદેશ ભાજપ મુખ્યાલય ‘અટલ કમલમ’ ખાતે પણ આજે બે મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપ ચૂંટણી વ્યવસ્થાપન ટીમ સાથે બેસીને ચૂંટણી ઢંઢેરો, બૂથ મેનેજમેન્ટ, ડોર-ટુ-ડોર પ્રચાર, સોશિયલ મીડિયા કેમ્પેઈન તેમજ વિપક્ષના આક્ષેપો સામે વળતી રણનીતિ ઘડવા અંગે વિસ્તૃત મંથન કરવામાં આવશે. સ્થાનિક સંગઠનમાં કોઈ જૂથવાદ કે નારાજગી હોય તો તેને સમયસર ડામી દેવા પ્રભારી દ્વારા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી રહી છે.

7ઓક્ટોબર સુધી તરુણ ચુગનો ગુજરાત પ્રવાસ

ગુજરાત ભાજપ પ્રભારી તરુણ ચુગ 7 ઓક્ટોબર સુધી ગુજરાતના પ્રવાસે રહેશે. આ ચાર દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ માત્ર ગાંધીનગર પૂરતા સીમિત ન રહેતાં રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરોની મુલાકાત પણ લેશે.આ પ્રવાસ દરમિયાન પ્રભારી દ્વારા જિલ્લા અને શહેર સંગઠનના પ્રમુખો, જિલ્લા પ્રભારીઓ, મોરચાના હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે બેઠકો યોજી સંગઠનાત્મક કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. મનપા ચૂંટણીને ભાજપ પ્રતિષ્ઠાનો જંગ માની રહી હોવાથી પ્રભારીનું આ આક્રમક વલણ કાર્યકરોમાં નવો ઉત્સાહ ફૂંકશે તેમ મનાઈ રહ્યું છે.

આ પણ વાંચો: Karjan: નગરપાલિકા ઉથલાવવા સભ્યો દમણ પહોંચ્યા, તાલુકા પ્રમુખ બિરેન પટેલની વિસ્ફોટક પોસ્ટથી ખળભળાટ