ગુજરાત રાજ્યમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 8,169 નવનિયુક્ત શિક્ષકોને ભલામણ પત્ર એનાયત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજા અને ધારાસભ્ય રિવાબા જાડેજા સહિતના મહાનુભાવો અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. હાલ રાજ્યમાં કુલ 11,000 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, અને આગામી 27 નવેમ્બરના રોજ આ શિક્ષકોને ઓનલાઈન અથવા નિયત પ્રક્રિયા દ્વારા શાળા પસંદગી આપવામાં આવશે.

'રીલ્સ ઓછી જોશો તો જ બાળકોને શીખામણ આપી શકશો'

કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે, શિક્ષકોએ પોતાની નૈતિક જવાબદારી સમજવી ખૂબ જ જરૂરી છે. આજકાલ સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો છે, ત્યારે મુખ્યમંત્રીએ ભાવિ શિક્ષકોને ખાસ ટકોર કરતા કહ્યું હતું કે, તમે રીલ્સ ઓછી જોશો તો જ બાળકોને રીલ્સ ન જોવાની શિખામણ આપી શકશો, જો તમે ખુદ રીલ્સ જોશો તો બાળકોને કેમ ના પાડી શકશો?

'જો મજા ન હોય તો રજા મૂકીને ઘરે જતા રહેવું'

આ ઉપરાંત તેમણે શિક્ષકોના વર્તન અંગે ચેતવણી આપતા જણાવ્યું કે, સોશિયલ મીડિયાના જમાનામાં જો ક્લાસરૂમમાં તમારો કોઈ નબળો કે અયોગ્ય વીડિયો વાયરલ થઈ ગયો તો તે તમારું રાજીનામું પણ અપાવી શકે છે. તેમણે ઉમેર્યું કે, જો મજા ન હોય તો રજા મૂકીને ઘરે જતા રહેવું, પરંતુ વર્ગખંડમાં શિક્ષકનું આચરણ હંમેશાં યોગ્ય જ રહેવું જોઈએ.

વધુ ભરતીની જાહેરાત અને કોર્ટ કાર્યવાહી પર પ્રહાર

શિક્ષકોની ભરતી મુદ્દે વાત કરતા મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, આજે જેટલા ભલામણ પત્ર આપવામાં આવ્યા છે, તેટલી જ હજુ વધુ ભરતી કરવાની સરકારની પૂરી તૈયારી છે. જોકે, કેટલાક લોકો આ બાબતે કોર્ટમાં ગયા હોવાનો ઉલ્લેખ કરતા તેમણે અસંતોષ વ્યક્ત કર્યો હતો કે, આવા અડચણરૂપ પગલાંના કારણે કેટલાય યુવાનો હેરાન થાય છે. તેમણે યુવાનોની પ્રગતિ પર ખુશી વ્યક્ત કરી હતી કે, આજે ભાવિ શિક્ષકો પણ સારી ગાડીઓમાં બેસીને આવ્યા છે, કારણ કે સમાજમાં શિક્ષક પ્રત્યે હંમેશાં માન અને સન્માનની ભાવના રહી છે.

https://www.instagram.com/reel/DfPXSrHgTx_/?utm_source=ig_web_copy_link&obrf=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==

'જ્ઞાન કરતાં આચરણ અને ચારિત્ર્ય વધુ મહત્વનું છે'

કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ધારાસભ્ય રિવાબા જાડેજાએ પોતાના વક્તવ્યમાં શિક્ષકનું અસલી મૂલ્ય સમજાવ્યું હતું. તેમણે એક રાજા અને ગુરુનું ઉદાહરણ આપતા ભારપૂર્વક જણાવ્યું કે, વ્યક્તિ પાસે ગમે તેટલું પુસ્તકીય જ્ઞાન હોય, પરંતુ જીવનમાં હંમેશાં જ્ઞાન કરતા આચરણ અને ચારિત્ર્ય સૌથી વધુ મહત્વનું હોય છે. શિક્ષકનું જીવન જ વિદ્યાર્થીઓ માટે સૌથી મોટોદર્પણ બનતું હોય છે.

દાદા ભગવાન પરિવાર તરફથી વિનામૂલ્યે પુસ્તકોની ભેટ

આ કાર્યક્રમમાં દાદા ભગવાન પરિવાર તરફથી નવનિયુક્ત શિક્ષકોને જીવન જીવવાની સાચી કળા અને ધીરજપૂર્વક કેમ વર્તવું તેનું માર્ગદર્શન આપતા વિનામૂલ્યે પુસ્તકો પણ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા, જેથી શિક્ષકો વિદ્યાર્થીઓમાં ઉત્તમ સંસ્કારોનું સિંચન કરી શકે.


આ પણ વાંચો: Gandhinagar: ભરતી સમિતિમાં અન્યાય સામે શૈક્ષણિક સંઘ લડતના મૂડમાં, 25 નવેમ્બરથી આંદોલનની ઉગ્ર ચીમકી