બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી ફરી એકવાર કાનૂની વિવાદમાં ફસાઈ છે.ગત વર્ષે ડિસેમ્બરમાં મુંબઈથી જયપુરની મુસાફરી દરમિયાન ચાર્ટર્ડ વિમાન અંગે સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરવી તેને ભારે પડી છે. એવિએશન કંપની ડ્યૂન્સ એવિએશન દ્વારા ગાંધીનગરની કોર્ટમાં નોરા વિરુદ્ધ રૂપિયા 3 કરોડનો સિવિલ માનહાનિનો દાવો દાખલ કરવામાં આવ્યો છે.આ કેસની આગામી સુનાવણી આગામી 25 સપ્ટેમ્બરે ગાંધીનગરની કોર્ટમાં હાથ ધરવામાં આવશે.
વિવાદની શરૂઆત ક્યાંથી થઈ?
નોરા ફતેહીએ ગત ડિસેમ્બરમાં સેસના સાઈટેશન સીજે૨ ચાર્ટર્ડ એરક્રાફ્ટમાં મુસાફરી કરતી વખતે એક વીડિયો રેકોર્ડ કર્યો હતો.આ વીડિયોમાં તેણે વિમાનના કદને લઈને કટાક્ષ કર્યો હતો અને તેને મિનિએચર, ટોય તેમજ લેગો એરપ્લેન તરીકે ઓળખાવ્યું હતું.આ વીડિયો તેણે પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અપલોડ કર્યો હતો. કંપનીના જણાવ્યા અનુસાર નોરાના આ પ્રકારના બેજવાબદાર અને પાયા વિહોણા નિવેદનોથી લોકોમાં એરક્રાફ્ટની સુરક્ષા અને યોગ્યતા અંગે ગેરસમજ ફેલાઈ હતી. એવિએશન કંપનીએ કોર્ટમાં રજૂઆત કરી છે કે અભિનેત્રીની સોશિયલ મીડિયા પર ભારે લોકપ્રિયતા અને મોટા પ્રમાણમાં ફોલોઅર્સ હોવાના કારણે તેમના દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓની વ્યાપક નકારાત્મક અસર પડી છે.
બુકિંગમાં અંદાજે 15થી 20 ટકાનો મોટો ઘટાડો નોંધાયો
ડ્યૂન્સ એવિએશનના દાવા મુજબ આ વિવાદિત પોસ્ટના કારણે તેમની ચાર્ટર્ડ ફ્લાઇટ્સના બુકિંગમાં અંદાજે 15થી 20 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે.ફ્લાઇટ કેન્સલેશનના પ્રમાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.કંપનીએ આ નિવેદનોને ટેકનિકલ જાણકારી વગરના અને બેજવાબદાર ગણાવ્યા છે.કંપનીએ સ્પષ્ટતા કરી છે કે નોરા દ્વારા જે એરક્રાફ્ટ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા તે સંપૂર્ણપણે સુરક્ષિત અને માન્ય ધોરણો અનુસારનું છે.આ વિમાન ડીજીસીએ દ્વારા પ્રમાણિત છે. કોઈપણ પ્રકારની પૂર્વ ચકાસણી કે તથ્યોની તપાસ વગર કરવામાં આવેલી આ ટિપ્પણીઓના કારણે કંપનીની બ્રાન્ડ વેલ્યુ, ગુડવિલ અને વ્યાપારી પ્રતિષ્ઠાને ભારે ઠેસ પહોંચી છે.આ માનહાનિના દાવામાં ડ્યૂન્સ એવિએશને કોર્ટ પાસે માંગ કરી છે કે નોરા ફતેહી પાસેથી આર્થિક નુકસાન બદલ રૂપિયા 3 કરોડનું વળતર અપાવવામાં આવે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી વિમાન સંબંધિત તમામ વિવાદિત વીડિયો અને પોસ્ટ તત્કાલ હટાવવાના આદેશ આપવામાં આવે અને જાહેરમાં માફી માંગવામાં આવે.