ગાંધીનગરમાં આજે પાટીદાર આગેવાનોની બેઠક યોજાવા જઈ રહી છે, બપોરે 2 કલાકે ગાંધીનગર ખાતે યોજાશે આ બેઠક અને પાટીદાર સમાજના પ્રશ્નોને લઈ બેઠક યોજાશે જેમાં પાટીદાર આંદોલનમાં સક્રિય આગેવાનો હતા તે આ બેઠકમાં હાજર રહેશે તેવી વાત સામે આવી છે.
ગોપાલ ઈટાલિયાની જીત બાદ યોજાઈ બેઠક
તાજેતરમાં આપ પાર્ટીના ધારાસભ્ય બનેલા ગોપાલ ઈટાલિયાની વિસાવદરમાં જીત થઈ છે અને ત્યારબાદ પાટીદાર સમાજના અગ્રણીઓની બેઠક મળી રહી છે, સૂત્રો તરફથી એવી માહિતી મળી રહી છે કે, પાસના અગ્રણી કન્વીનરો આ બેઠકમાં હાજર રહેશે તો અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા ભાજપ નેતા વરૂણ પટેલ પણ આ બેઠકમાં હાજર રહેશે તેવી વાત સામે આવી છે, સમાજમાં હજી ઘણા પડતર પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવા માટે આ બેઠક મળી રહી હોવાની વાત છે.
પાટીદાર સમાજના પડતર પ્રશ્નોને લઈ ચર્ચા કરાશે
વિસાવદરમાં પાટીદાર નેતા ગોપાલ ઈટાલિયાની જીત બાદ ફરી ગુજરાતમાં નવા જૂનીના એંધાણ થવાના હોય તેવી ચર્ચાએ જોર પકડયું છે, આજે ચિંતન શિબિરનું આયોજન કરાયું છે જેમાં ભવિષ્યની રણનીતિ ઘડવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, મહત્વનું છે કે, પાટીદાર આંદોલન પૂર્ણ થયું તે બાદ આ મહત્વની બેઠક ગણી શકાય, આ બેઠકમાં ગોંડલ સહિતના અનેક મહત્વના રાજકીય મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ શકે છે, આગામી સમયમાં આ બેઠકના કેવા પડઘા પડશે તે જોવું રસપ્રદ રહેશે.