ગાંધીનગર વાવોલ ફાટક પાસે ટ્રાફિકની સમસ્યાથી પીડાઈ રહેલા સ્થાનિક લોકો રોષે ભરાઈને એક અનોખો વિરોધ કર્યો છે. ફાટક એક કલાકથી વધુ સમય સુધી બંધ રહેતા ટ્રાફિક જમણી વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી, જેનાથી કંટાળીને લોકોએ ત્યાંથી પસાર થઇ રહેલી એક ટ્રેનને રોકીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાએ તહેવારના સમયે જ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે.
એક કલાક સુધી ફાટક બંધ રહ્યો
વાવોલ ફાટક એ ગાંધીનગર શહેરના વ્યસ્ત માર્ગો પૈકીનો એક છે. આ ફાટક પરથી અનેક વાહનો પસાર થતા હોય છે અને અહીં અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ગુરુવારના દિવસે તહેવાર હોવાના કારણે વાહનોની અવરજવર વધુ હતી. તેવામાં, રેલવે ફાટક એક કલાકથી પણ વધુ સમય સુધી બંધ રહેતા વાહનચાલકો અને રાહદારીઓ અટવાઈ પડ્યા હતા. ટ્રાફિકની લાંબી લાઈનો લાગી ગઈ હતી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. આ મામલે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, "આ વાવોલ ફાટક પાસે ટ્રાફિક જામની સમસ્યા કોઈ નવી નથી. વારંવાર આવી પરિસ્થિતિ સર્જાય છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
તહેવારોના દિવસ હોવાથી લોકો વધુ રોષે ભરાયા
મહત્વનું છે કે, તહેવારના સમયે જ્યારે લોકો પોતાના સંબધીઓને મળવા જતા હોય અથવા કામ અર્થે બહાર નીકળ્યા હોય ત્યારે આવી સ્થિતિ વધુ ગંભીર બની જાય છે." એક કલાક સુધી રાહ જોયા બાદ જ્યારે ફાટક ખુલ્યો નહીં, ત્યારે રોષે ભરાયેલા લોકોએ ત્યાંથી પસાર થઇ રહેલી એક ટ્રેનને રોકી દીધી. લોકો ટ્રેનની સામે ઉભા રહી ગયા અને ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગણી સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને રેલવેના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.તેમણે લોકો સાથે વાતચીત કરી મામલો શાંત પડ્યો હતો.