શિક્ષણ વિભાગની લીલીઝંડી મળવામાં વિલંબને લીધે ગુજરાતના 61 હજારથી વધુ વિદ્યાર્થીઓની પીટીસી કોર્સમાં પ્રવેશ અટકી પડ્યો છે.ગત વર્ષના પ્રવેશનો મામલો કોર્ટમાં જતાં ચાલુ વર્ષે પ્રવેશ સમિતિ દ્વારા કોલેજોની યાદી મંજૂરી માટે શિક્ષણમંત્રીને મોકલી અપાઈ છે.પરંતુ છેલ્લા ઘણા દિવસોથી પેન્ડિંગ આ મુદ્દે શિક્ષણમંત્રી દ્વારા હજુ કોઈ નિર્ણય ન લેવાતા પ્રક્રિયા ટલ્લે ચડી છે.ચાલુ વર્ષે પીટીસી કોર્સમાં પ્રવેશ લેવા માટે રેકોર્ડબ્રેક 65 હજાર જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.જેમાં 61536 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
PTC પ્રવેશ મુદે વિદ્યાર્થીઓ પર સંકટ
પ્રોવિઝનલ મેરિટ બાદ પ્રવેશ સમિતિ દ્વારા ત્રણ દિવસ વાંધા અરજીઓ મંગાવી છે જેની મુદત 9 સપ્ટેમ્બરે પૂર્ણ થશે.બીજી તરફ પ્રવેશ આપવા માટે 247 જેટલી કોલેજોએ દરખાસ્ત કરી હતી.જેમાંથી 18 જેટલી કોલેજોમાં કેટલીક વિસંગતતા સામે આવી છે.જેમાં કેટલીક કોલેજો પાસે ચાલુ વર્ષની એનસીટીઈની મંજૂરી નથી,તો કેટલીક કોલેજોએ બે વર્ગમાં પ્રવેશની દરખાસ્ત કરી છે પરંતુ મંજૂરી એક જ વર્ગની છે.એ સિવાય ગત વર્ષે કોર્ટના આદેશ બાદ મોટી સંખ્યામાં કોલેજોમાં પ્રવેશ અપાયો હતો.જેમાં સૂત્રોના જણાવ્યા મુજબ માત્ર એક જ વર્ષ માટે મંજૂરી અપાઈ હતી.
