મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના માર્ગોના મજબૂતીકરણ માટે એક દીર્ઘકાલીન નિર્ણય લેવામાં આવ્યો છે.આ નિર્ણયની વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના આંતરિક રસ્તાઓને ડામરને બદલે સિમેન્ટ કોંક્રીટ (CC)થી બનાવવામાં આવશે.

ગામતળમાં CC રોડનું કામ હાલમાં પણ ચાલી રહ્યું છે

રાજ્યમાં ભારે વરસાદ અને પાણીના ભરાવાને કારણે ડામરના રસ્તાઓ વારંવાર તૂટી જવાની સમસ્યા સર્જાય છે જેનાથી નાગરિકોને મુશ્કેલી પડે છે.આ મુશ્કેલીના કાયમી નિવારણ અને નાગરિકોની સુવિધા માટે રાજ્ય સરકારે આ નિર્ણાયક પગલું ભર્યું છે.માત્ર શહેરો જ નહીં પરંતુ ગામતળના વિસ્તારો જ્યાં પાણીનો ભરાવો વધુ થતો હોય તેવા ડામરના રસ્તાઓને પણ ક્રમશઃ CC રોડમાં ફેરવવામાં આવશે.સુવિધાપથ યોજના અંતર્ગત ગામતળમાં CC રોડનું કામ હાલમાં પણ ચાલી રહ્યું છે.

CC રોડનો બાંધકામ ખર્ચ 30 થી 40 ટકા વધુ હોય છે

આ ઉપરાંત ભારે અને અતિ ભારે વાહનવ્યવહાર ધરાવતા ઔદ્યોગિક વિસ્તારોમાં જરૂરિયાત મુજબ CC રોડની કામગીરીનો વ્યાપ વધુ વિસ્તારવામાં આવશે. સામાન્ય રીતે ડામર રોડની સરખામણીએ CC રોડનો બાંધકામ ખર્ચ 30 થી 40 ટકા વધુ હોય છે. તેમ છતાં પ્રજાને લાંબા ગાળાનો ગુણવત્તાયુક્ત અને ટકાઉ લાભ આપવા આ નિર્ણય કર્યો છે.રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓનું માળખું વધુ સુદ્રઢ બનશે અને નાગરિકોને લાંબા ગાળાની સુવિધા પ્રાપ્ત થશે.

સિમેન્ટ કોંક્રીટ (CC) રોડના ફાયદાઓ

CC રોડ અત્યંત મજબૂત હોવાથી તેનું આયુષ્ય વધુ હોય છે અને ઘસારો ઓછો થાય છે.

ભારે વાહનો, ઓવરલોડ વાહનો તથા મલ્ટી-એક્સલ વાહનોની સતત અવરજવર માટે શ્રેષ્ઠ.

રિપેરિંગ/મેન્ટેનન્સની જરૂરિયાત ખૂબ ઓછી રહે છે, જેથી લાંબા ગાળે સરકારી તિજોરી પર મરામતનો ખર્ચ ઘટે છે.

રસ્તા પર ખાડા પડવા કે સપાટી તૂટી જવાની સમસ્યા કાયમી ધોરણે દૂર થાય છે.

ભારે વરસાદવાળા વિસ્તારોમાં અને પાણી ભરાતું હોય તેવી જગ્યાઓએ પણ CC રોડ ઉત્કૃષ્ટ પરિણામ આપે છે.

આ પણ વાંચોઃ Bhavnagar News: ACBએ છટકું ગોઠવીને મનપાના આધારકાર્ડ ઓપરેટર વિજય ડાભીને લાંચ લેતા ઝડપ્યો