ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાવો વધી રહ્યો છે.બિન અનામત વર્ગના આગેવાનો ફરી એકવાર પોતાની વિવિધ પડતર માગણીઓને લઈને એક મંચ પર આવ્યા છે.ગાંધીનગર ખાતે સવર્ણ એકતા મંચના નેજા હેઠળ સવર્ણ સમાજના તમામ અગ્રણી આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક મળશે.જેમાં આગામી સમયની રણનીતિ નક્કી કરવા માટે ગહન મંથન કરવામાં આવશે.આ બેઠકમાં અનામતના કાયદા, અનામત આંદોલન અને UGC સહિતના રાજ્ય તથા કેન્દ્ર સ્તરના વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરાશે.
સરકાર સામે માગણીઓ અને મુદ્દાઓ રજૂ કરશે
આ ઉપરાંત, દેશભરમાં અનામત સુધારા અંગે ચાલી રહેલા આંદોલનને સવર્ણ એકતા મંચ દ્વારા પૂર્ણ સમર્થન અને ટેકો જાહેર કરવામાં આવશે.પાટીદાર અને બિન-અનામત વર્ગના આગેવાન દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે,સવર્ણ સમાજના તમામ આગેવાનોએ એકઠા થઈને અનામત અને UGC કાયદા જેવા મહત્ત્વના મુદ્દાઓની સમીક્ષા કરશે.આ બેઠકમાં સર્વસંમતિથી જે પણ નિર્ણય લેવાશે તે મુજબ જ આગામી કાર્યક્રમો આપીને કામગીરી કરવામાં આવશે.બેઠક દરમિયાન આગેવાનોએ સરકાર સામે માગણીઓ અને મુદ્દાઓ રજૂ કરશે.
